
સુરત, 11 જૂન (હિ.સ.): શહેરના પાલનપુર પાટીયા વિસ્તારમાં ગત સાંજે એક જર્જરીત બિલ્ડિંગના ત્રીજા માળના છજ્જાનો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છજ્જો તૂટી પડતાં મોટો અવાજ થતાં આસપાસના રહેવાસીઓ ભયભીત થઈ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી અને જાનહાનિ પણ ટળી હતી. પરંતુ કાટમાળ નીચે પાર્ક કરાયેલા ત્રણ ટુ-વ્હીલર વાહનો પર પડતાં તેમને નુકસાન થયું હતું.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીના ત્રણ માળના બિલ્ડિંગના ત્રીજા માળનો છજ્જો અચાનક તૂટી પડ્યો હતો. છજ્જાનો ભારે કાટમાળ સીધો બિલ્ડિંગની નીચે પાર્ક કરાયેલા વાહનો પર પડતાં ત્રણ ટુ-વ્હીલર દબાઈ ગયા હતા અને તેમને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાઘટનાની જાણ ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ આસપાસના લોકોને કાટમાળથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.ફાયર સબ ઓફિસર ધવલ મોહિતેએ જણાવ્યું હતું કે સંબંધિત બિલ્ડિંગ લાંબા સમયથી જર્જરીત હાલતમાં હતું. બિલ્ડિંગની નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યું હતું અને ત્યાં કોઈ રહેતું નહોતું. આ કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગની હાલત લાંબા સમયથી ખરાબ હતી અને છજ્જાના ભાગોમાં તિરાડો પણ જોવા મળતી હતી. આ ઘટનાને પગલે આસપાસના અન્ય જર્જરીત મકાનો અંગે પણ ચિંતા વધી છે. રહેવાસીઓએ તંત્રને આવા જોખમી બિલ્ડિંગોનું સર્વેક્ષણ કરી સમયસર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી અને જાનહાનિ પણ થઈ નહોતી. જોકે ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. માનવહાનિ ટળતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે