
જુનાગઢ 11 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી જનસેવાના કાર્ય થકી કરવામાં આવી રહી છે, આ નિમિત્તે ખાસ લોકોને જુદી જુદી સરકારી સેવાઓનો લાભ નજીકના સ્થળે જ મળી રહે તે માટે જિલ્લા પંચાયતની બેઠકવાર એટલે કે, જિલ્લામાં કુલ ૩૦ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માળીયાહાટીના તાલુકામાં ૫ જેટલી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત જન કલ્યાણ શિબિર તા.૧૨ રોજ માળીયાહાટીના તાલુકામાં અમરાપુર ગામની પ્રાથમિક શાળા, તા.૧૫ના રોજ ગડુ ગામની પ્રાથમિક શાળા, તા.૧૭ના રોજ જુથળ ગામે પ્રાથમિક શાળા, તા.૧૯ના રોજ કુકસવાડા ગામે પે.સેન્ટર શાળા અને તા.૨૦ના રોજ માળીયાહાટીના ખાતે કન્યા શાળામાં આયોજન કરવામાં આવ્યું છે. આ જનકલ્યાણ શિબિરનો આસપાસના ગામના નાગરિકોને પણ લાભ લેવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે.
આ જન કલ્યાણ શિબિરોના માધ્યમથી જુદી જુદી પ્રજાલક્ષી સેવાઓને આવરી લેવામાં આવી છે, જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્રો, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલિયર, ડોમીસાઈલ સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમીકરણ કરવું, સુધારા કરવા વગેરે, નવું આધાર કાર્ડ કઢાવવું અથવા તેમાં આવશ્યક સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ મરણ અને લગ્નના નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ આર્થિક સહાય માટેની જુદી જુદી યોજનાઓ, કુંવરબાઈનું મામેરુ તથા માનવ ગરીમા યોજના વગેરે યોજનાઓ માટે અરજીઓ કરી શકાશે. ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગની જુદી જુદી યોજનાઓ માટે પણ અરજી સ્થાનિક કક્ષાએથી કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ