ચાંદલોડિયામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન વિવાદ વકર્યો, સ્થાનિકોના ધરણા
- લોકોના ઘર તૂટતા બાળકો સહિતના રસ્તા પર વૈકલ્પિક આવાસ ન મળતાં હાઇકોર્ટમાં જવાની ચીમકી અમદાવાદ,11 જૂન (હિ.સ.) અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે.મુખ્યમંત્રીના વિધાનસભ
Municipal Corporation demolition controversy escalates in Chandlodia, locals stage protest


- લોકોના ઘર તૂટતા બાળકો સહિતના રસ્તા પર વૈકલ્પિક આવાસ ન મળતાં હાઇકોર્ટમાં જવાની ચીમકી

અમદાવાદ,11 જૂન (હિ.સ.) અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિમોલિશન કામગીરી સામે સ્થાનિક રહીશોએ ઉગ્ર મોરચો માંડ્યો છે.મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ચાંદલોડિયા વોર્ડમાં મહાદેવનગર વિભાગ 1માં રોડ કપાતના નામે ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા આજે સવારથી જ સ્થાનિક લોકો મહિલાઓ અને નાના બાળકો સાથે કાળઝાળ ગરમીમાં ધરણા પર ઉતરી આવ્યા છે.

છેલ્લા 40 વર્ષથી અહીં વસવાટ કરતા લોકોએ જ્યાં સુધી ઘરની સામે ઘર ન મળે ત્યાં સુધી હટવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

ભારતી સાધુ નામના સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, છેલ્લા 40 વર્ષથી અમે આ જગ્યા ઉપર રહીએ છીએ. નોટિસ આપીને માત્ર ચાર દિવસમાં મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતાં. ત્યારે લોકો ઘર વિના ક્યાં જશે? સરકાર પાસે અમારી એક જ માગ છે કે, અમને મકાનની સામે મકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસી રહીશું. જરૂર પડીએ હાઈકોર્ટમાં પણ જઈશું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે લાઇનને સમાંતર આવેલા મહાદેવનગર વિભાગ 1 અને 2 પાસેથી 12 મીટરનો નવો રોડ ખોલવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, આ રેલવે સમાંતર 12 મીટરના રોડની હાલના તબક્કે કોઈ જ તાત્કાલિક જરૂરિયાત નથી. તેમ છતાં, એસ્ટેટ વિભાગ દ્વારા મનસ્વી રીતે આશરે 50 જેટલા મકાનોને તોડી પાડીને હજારો લોકોને ઘરવિહોણા કરી દેવાયા છે. માત્ર 5 જ દિવસની ટૂંકી નોટિસ આપીને, ઘર બહાર કાઢી મૂકવામાં આવતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કોર્પોરેશન સામે ભારે રોષ ફેલાયો છે.

ડિમોલિશનની આ કડક કાર્યવાહી બાદ બેઘર બનેલા સ્થાનિક રહીશો આજે એટલે કે 11 જૂન ના રોજ સવારથી ધરણા પર બેસી ગયા છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે અહીં 40 વર્ષથી કાયદેસર રહીએ છીએ. સરકારે અમને રસ્તા પર લાવી દીધા છે. જ્યાં સુધી કોર્પોરેશન અમને રહેવા માટે ‘ઘરની સામે ઘર’ નહીં ફાળવે, ત્યાં સુધી અમે બાળકો સાથે અહીં જ રસ્તા પર બેસી રહીશું અને આંદોલન વધુ ઉગ્ર બનાવીશું. આ સાથે જ સ્થાનિકોએ કોર્પોરેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં જવા સુધીની ચીમકી ઉચ્ચારી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande