
અમદાવાદ,11 જૂન (હિ.સ.) આજે પણ ગુજરાતમાં ઉનાળાની અસહ્ય અકળામણનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યના મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા થયો છે. છેલ્લા સાત દિવસથી રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, બુધવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42.8°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +3.1°C જેટલું ઊંચું છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 42.3°C, ભાવનગરમાં 42.1°C અને ગાંધીનગરમાં 42.0°C સાથે આકરી ગરમીનો અહેસાસ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે, ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં તબક્કાવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ