હીરા કારખાનામાં હાથફેરો કરનાર કુખ્યાત ચોર ઝડપાયો, રૂ. 7.50 લાખના 80 કેરેટ હીરા કબજે
સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલા એક હીરા કારખાનામાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ અશ્વિનીકુમાર પોલીસે ઉકેલી લીધો છે. 9 મેની રાત્રે કારખાનું બંધ થયા બાદ વહેલી સવારે અજાણ્યા શખ્સે મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ ક
Surat


સુરત, 11 જૂન (હિ.સ.) : સુરતના વરાછા મિની બજાર વિસ્તારમાં આવેલા એક હીરા કારખાનામાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ અશ્વિનીકુમાર પોલીસે ઉકેલી લીધો છે. 9 મેની રાત્રે કારખાનું બંધ થયા બાદ વહેલી સવારે અજાણ્યા શખ્સે મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલમાંથી આશરે 80 કેરેટના રફ તથા તૈયાર નેચરલ હીરા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી થયેલા હીરાની કુલ કિંમત અંદાજે રૂ. 7.50 લાખ હોવાનું સામે આવ્યું હતું.

કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બુકાનીધારી શખ્સ સવારે 4:20 વાગ્યે અંદર પ્રવેશતો અને માત્ર 24 મિનિટમાં ચોરીને અંજામ આપીને 4:44 વાગ્યે બહાર નીકળતો જોવા મળ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને સર્વેલન્સ ટીમ તેમજ બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે વિજય ઉર્ફે જાડિયો દેવચંદ ચંદ્રવંશી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ બાદ તેની પાસેથી ચોરી કરાયેલા તમામ 80 કેરેટ હીરા જપ્ત કર્યા હતા. તપાસમાં સામે આવ્યું કે વિજય ઉર્ફે જાડિયો મધ્યપ્રદેશનો રહેવાસી છે અને અગાઉ સુરતના વિવિધ પોલીસ મથકો ઉપરાંત ઉજ્જૈનમાં પણ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેના વિરુદ્ધ 8થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું તથા વર્ષ 2025માં તેની સામે પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande