
પાટણ, 11 જૂન (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓનો આજે પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. કુલ 3,515 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલ, પાટણ ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યા બાદ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જૂન મહિનામાં યોજાતી આ પરીક્ષામાં ધોરણ-10, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહના નાપાસ થયેલા તેમજ ગુણ સુધારવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેસી રહ્યા છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા અને પરીક્ષાર્થીઓની સુવિધા માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ કેન્દ્રો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
આંકડાઓ મુજબ ધોરણ-10 માટે 10 બિલ્ડિંગના 85 બ્લોકમાં 2,430 વિદ્યાર્થીઓ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 બિલ્ડિંગના 22 બ્લોકમાં 404 વિદ્યાર્થીઓ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 3 બિલ્ડિંગના 24 બ્લોકમાં 681 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લામાં કુલ 15 બિલ્ડિંગના 131 બ્લોકમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી દેખરેખ અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ