
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) કેન્દ્રીય નવી અને નવનીકરણીય ઊર્જા મંત્રાલય પવન ઊર્જાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે 15 જૂને ગોવામાં વૈશ્વિક પવન દિવસ-2026 સંમેલનનું આયોજન કરશે. નવી અને નવનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી ભારતની પવન ઊર્જા ક્ષેત્રની મહત્ત્વાકાંક્ષાઓને ગતિ આપતા આ કાર્યક્રમનું નેતૃત્વ કરશે.
મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જૂને ગોવામાં “પવન ઊર્જા : મહત્ત્વાકાંક્ષાથી અમલીકરણ સુધી” વિષય પર વૈશ્વિક પવન દિવસ-2026 સંમેલન યોજાશે. ભારત હાલમાં વિશ્વનું ચોથું સૌથી મોટું પવન ઊર્જા બજાર છે. વર્ષ 2030 સુધી 100 ગીગાવોટ અને 2035 સુધી 155 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવતા ભારત માટે 2070 સુધી 500 ગીગાવોટ બિન-જીવાશ્મ ઊર્જા ક્ષમતા અને નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્યો પૂર્ણ કરવામાં પવન ઊર્જા અત્યંત મહત્વપૂર્ણ છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંમેલનમાં સરકાર, નિયામક સંસ્થાઓ, વિકાસકર્તાઓ, ઉત્પાદકો અને નિષ્ણાતોની હાજરીમાં પૂર્ણ સત્રો અને પેનલ ચર્ચાઓ યોજાશે. તેમાં પવન ઊર્જા સાધનોની સ્થાપનામાં ઝડપ લાવવી, અમલીકરણમાં સુધારો કરવો અને સ્થાનિક ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના વ્યવહારુ ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવશે. આ ક્ષેત્ર વિકાસના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યું હોવાથી, ગોવામાં યોજાનાર વૈશ્વિક પવન દિવસ-2026 સંમેલન સતત વિસ્તરણ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રની ભવિષ્યલક્ષી યોજનાઓ ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, આ સંમેલનમાં કેન્દ્રીય નવી અને નવનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, મંત્રાલયના સચિવ સંતોષ કુમાર સારંગી, મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓ, કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ, સોલાર એનર્જી કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, ભારતીય નવનીકરણીય ઊર્જા વિકાસ એજન્સી, રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થાન, ગ્રીડ ઈન્ડિયા, વિવિધ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ તેમજ ઈન્ડિયન વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, વિન્ડ ઈન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સ એસોસિએશન અને ઈન્ડિયન વિન્ડ પાવર એસોસિએશન જેવા ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ