‘સત્યની નજીક રહેતી વાર્તાઓ જ દર્શકો સાથે જોડાય છે’ : મનોજ બાજપેયી
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણાતા મનોજ બાજપેયીએ, પોતાના ત્રણ દાયકાના લાંબા કારકિર્દીમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે. આ વખતે તેઓ ફિલ્મ ‘ગવર્નર’માં ભારતના પૂર્વ રિઝર્વ બેંક ગવર્નર એસ. વેંકિટરમણનની ભૂમિકામાં જોવા મળ
મનોજ બાજપેયી


નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં ગણાતા મનોજ બાજપેયીએ, પોતાના ત્રણ દાયકાના લાંબા કારકિર્દીમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે. આ વખતે તેઓ ફિલ્મ ‘ગવર્નર’માં ભારતના પૂર્વ રિઝર્વ બેંક ગવર્નર એસ. વેંકિટરમણનની ભૂમિકામાં જોવા મળશે. 12 જૂને રિલીઝ થનારી આ ફિલ્મ 1991ના આર્થિક સંકટ અને તે સમયગાળા દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો પર આધારિત છે. ફિલ્મ, પાત્રની તૈયારી, દિગ્દર્શન, અર્થશાસ્ત્ર, એવોર્ડ્સ અને બોક્સ ઓફિસ સહિતના વિવિધ વિષયો પર મનોજ બાજપેયી સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો—

પ્રશ્ન : એસ. વેંકિટરમણનના નિર્ણયોને તમે કેટલા સાહસિક માનો છો?

હું તેને માત્ર હિંમતભર્યો નહીં, પરંતુ અત્યંત સાહસિક નિર્ણય કહીશ. તેમને સમજાઈ ગયું હતું કે, દેશ જે પરિસ્થિતિમાં પહોંચી ગયો હતો, ત્યાં પરંપરાગત ઉપાયો અસરકારક સાબિત નહીં થાય. જેમ કોઈ પરિવાર સંકટના સમયે પોતાની બચત સુધીનો ઉપયોગ કરે છે, તેવી જ વિચારસરણી તેમણે દેશના સ્તરે લાગુ કરી. આવા નિર્ણયો સરળ નથી હોતા, પરંતુ ઘણી વખત પરિસ્થિતિઓ તમને જોખમ લેવા માટે મજબૂર કરી દે છે.

પ્રશ્ન : શું તે સમયે રાજકીય સમર્થન મેળવવું મુશ્કેલ હતું?

નિશ્ચિતપણે. દેશનું સોનું ગીર્વે રાખવાનો નિર્ણય માત્ર આર્થિક નહીં, પરંતુ ભાવનાત્મક મુદ્દો પણ હતો. લોકો અને નેતાઓ બંનેને તેના માટે તૈયાર કરવું સરળ નહોતું. જોકે દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો અને અંતે એ જ નિર્ણય દેશને સંકટમાંથી બહાર લાવવામાં નિર્ણાયક સાબિત થયો.

પ્રશ્ન : પાત્રની ભાષા અને બોલવાની શૈલી પર કેવી રીતે કામ કર્યું?

આ સૌથી પડકારજનક પાસાઓમાંનું એક હતું. અમારે દર્શાવવું હતું કે તેઓ દક્ષિણ ભારતમાંથી આવે છે, પરંતુ સાથે જ શિક્ષિત અને વરિષ્ઠ અધિકારી પણ છે. ભાષા એટલી અલગ ન હોઈ શકે કે દર્શકો સાથે અંતર સર્જાય અને એટલી સામાન્ય પણ ન હોય કે પાત્રની ઓળખ જ ખોવાઈ જાય. આ સંતુલન જાળવવા માટે ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો.

પ્રશ્ન : પાત્ર માટે બીજી કેવી તૈયારી કરવી પડી?

તૈયારી એક સતત પ્રક્રિયા છે. સંશોધન, ચર્ચાઓ, વીડિયો જોવું અને વાંચન સતત ચાલતું રહે છે. હું અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી રહ્યો નથી, તેથી વિષયને સમજવામાં સમય આપવો પડ્યો. સાથે જ બોડી લેંગ્વેજ અને માનસિક સ્થિતિ પર પણ કામ કર્યું, કારણ કે એ જ પાત્રને વિશ્વસનીય બનાવે છે.

પ્રશ્ન : શું હજુ પણ લાગે છે કે ઘણા પાત્રો ભજવવાના બાકી છે?

અવશ્ય. રસ્તા પર ચાલતો દરેક વ્યક્તિ મને એક સંભવિત પાત્ર તરીકે દેખાય છે. દરેક માણસની પોતાની એક વાર્તા હોય છે. કદાચ એક જીવન એ તમામ વાર્તાઓ જીવવા માટે પૂરતું નથી. જોકે સંતોષ એ વાતનો છે કે મેં હંમેશા અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવવાનો પ્રયાસ કર્યો છે.

પ્રશ્ન : દિગ્દર્શક ચિન્મય માંડલેકર આ પ્રોજેક્ટ સાથે કેવી રીતે જોડાયા?

આ સ્ક્રિપ્ટ મને ઘણા વર્ષો પહેલા મળી હતી. વાર્તા ગમી હતી, પરંતુ મનમાં પ્રશ્ન હતો કે અર્થશાસ્ત્ર જેવા વિષય પર ફિલ્મ કેવી રીતે બનાવી શકાશે. બાદમાં મેં ચિન્મયનું નામ સૂચવ્યું. તેમણે મહિનાઓ સુધી સંશોધન કર્યું, લેખકો સાથે કામ કર્યું અને સ્ક્રિપ્ટને વધુ મજબૂત બનાવવા માટે ભારે મહેનત કરી. શરૂઆતના ફૂટેજ જોયા પછી આખી ટીમનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.

પ્રશ્ન : શું ફિલ્મોની જવાબદારી છે કે તે ઇતિહાસ અને સમાજની વાર્તાઓ સામે લાવે?

હું તેને જવાબદારી કરતાં વ્યક્તિગત પસંદગી માનું છું. મારું માનવું છે કે દર્શકો હંમેશા પ્રામાણિક વાર્તાઓ સાથે જોડાય છે. તે કોમેડી હોય કે ગંભીર વિષય, જો તેમાં જીવનનું સત્ય હોય તો લોકો તેને અનુભવે છે.

પ્રશ્ન : શું ક્યારેય લાગે છે કે આખી ફિલ્મનો ભાર તમારા ખભા પર છે?

મારું ધ્યાન હંમેશા મારા અભિનય પર રહે છે. હું દરેક વખતે વિચારું છું કે શું હું પાત્ર સાથે સંપૂર્ણ ઈમાનદારીથી ન્યાય કરી રહ્યો છું. પોતાને પુનરાવર્તિત થવાથી બચાવવું મારા માટે સૌથી મોટો પડકાર અને દબાણ બંને છે.

પ્રશ્ન : શું આ ફિલ્મ દર્શકોને અર્થશાસ્ત્ર સમજવામાં મદદ કરશે?

જરૂરી નથી કે દર્શકો તમામ આર્થિક પરિભાષાઓ સમજી શકે, પરંતુ તેઓ એટલું ચોક્કસ સમજશે કે પડદા પાછળ એવા લોકો હોય છે જેમના નિર્ણયો સીધી રીતે સામાન્ય માણસના જીવનને અસર કરે છે. રોજિંદા જીવનના ઘણા પાસાઓ આવા નિર્ણયો પર આધાર રાખે છે.

પ્રશ્ન : 2024માં વિદેશમાંથી સોનું પરત લાવવાની ઘટનાને તમે કેવી રીતે જુઓ છો?

સરકારો સમયાંતરે આવા નિર્ણયો લેતી રહે છે. પરંતુ આ વાર્તાનું કેન્દ્ર એ ઐતિહાસિક ક્ષણ છે, જ્યારે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે એક વ્યક્તિએ મોટું જોખમ લીધું હતું. એ જ નિર્ણયે આગળ જઈને અનેક પરિવર્તનોનો પાયો નાખ્યો.

પ્રશ્ન : એક અભિનેતા-દિગ્દર્શક સાથે કામ કરવાનો શું ફાયદો થાય છે?

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે અભિનેતાની મુશ્કેલીઓને વધુ સારી રીતે સમજી શકે છે. ચિન્મય પોતે અભિનેતા છે, તેથી તેમને ખબર છે કે કેમેરા સામે કલાકાર કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. તેમની આ સમજ કામને સરળ બનાવે છે.

પ્રશ્ન : ‘ડિસ્પેચ’ જેવી ફિલ્મ કરવાની પાછળનું કારણ શું હતું?

કારણ કે તે એક ઉત્તમ ફિલ્મ છે. મને હંમેશા એવી વાર્તાઓ આકર્ષે છે જેમાં મજબૂત પાત્રો અને શક્તિશાળી કથાવસ્તુ હોય. અંતે મારા માટે એ જ સૌથી મહત્વપૂર્ણ બાબત છે.

પ્રશ્ન : ઘણા એવોર્ડ્સ મળ્યા પછી શું દબાણ વધી જાય છે?

એવોર્ડ્સ તે સાંજ સુધી સારા લાગે છે, ત્યારબાદ તેમનું મહત્વ પાછળ રહી જાય છે. શૂટિંગ દરમિયાન તમારી સામે માત્ર પાત્ર જ હોય છે. ત્યાં એવોર્ડ નહીં, પરંતુ તમારું કામ અને તમારી તૈયારી મહત્વ ધરાવે છે.

પ્રશ્ન : દર્શકો માટે તમારો સંદેશ?

બોક્સ ઓફિસના આંકડા મને ક્યારેય ખાસ પ્રભાવિત કરતા નથી. મારા માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે, વાર્તા અને પાત્ર સંપૂર્ણ સત્યતા અને ઈમાનદારી સાથે દર્શકો સુધી પહોંચે. જો ફિલ્મ જોયા પછી દર્શકો કંઈક અનુભવે અને પોતાના સાથે કંઈક લઈને જાય, તો એ જ સૌથી મોટી સફળતા છે.

(ઇન્ટરવ્યુ બાય- લોકેશ ચંદ્રા)

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande