
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ભારતીય યુવા કોંગ્રેસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ પર 19 જૂને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘મેગા જોબ ફેર 2026’ આયોજિત કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે, કેન્દ્ર સરકાર પર બેરોજગારી અને પેપર લીકની ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં યુવા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબ અને દિલ્હી કોંગ્રેસ સંગઠનના પ્રભારી અનિલ ભારદ્વાજે મેગા જોબ ફેરનું પોસ્ટર જાહેર કર્યું હતું. આ પ્રસંગે ઉદય ભાનુ ચિબે જણાવ્યું હતું કે, 19 જૂને યોજાનારા જોબ ફેરમાં અંદાજે 150 કંપનીઓ ભાગ લેશે. યુવાનોનો તેમની લાયકાતના આધારે ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પર જ ઓફર લેટર આપવામાં આવશે. રોજગાર મેળા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે.
ચિબે જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત મેગા જોબ ફેરમાં 18 હજાર યુવાનોએ નોંધણી કરાવી હતી, જેમાંથી અંદાજે સાત હજાર યુવાનોને ઓફર લેટર આપવામાં આવ્યા હતા. આ અગાઉ જયપુર અને પટનામાં પણ આવા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિલ્હી કોંગ્રેસ સંગઠનના પ્રભારી અનિલ ભારદ્વાજે દાવો કર્યો હતો કે, ગયા વર્ષે આયોજિત રોજગાર મેળાના પ્રથમ દિવસે જ 3,500 યુવાનોને રોજગારી મળી હતી અને આ વખતે આ સંખ્યા વધુ વધવાની આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ