ભારતીય પ્રતિભા અને યુરોપિયન મૂડી વચ્ચે 'ભારત ઇનોવેટ્સ' સેતુ તરીકે કામ કરશે: વડાપ્રધાન
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ફ્રાન્સના નીસ શહેરમાં આયોજિત ''ભારત ઇનોવેટ્સ'' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને સહિયારી દ્રષ્ટિ, નવીનતા અને પ્રેરણા પર આધારિત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મંચ ભારતની
વડાપ્રધાન નરેન્દ્ર મોદી -ફાઈલ ફોટો


નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ફ્રાન્સના નીસ શહેરમાં આયોજિત 'ભારત ઇનોવેટ્સ' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને સહિયારી દ્રષ્ટિ, નવીનતા અને પ્રેરણા પર આધારિત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મંચ ભારતની પ્રતિભા અને યુરોપિયન મૂડી વચ્ચે સેતુ તરીકે કામ કરશે અને ભારતીય નવપ્રયોગોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વડાપ્રધાન મોદીએ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત રીતે 'ભારત ઇનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ પહેલા વડાપ્રધાને અગ્રણી રોકાણકારો અને વેન્ચર કેપિટલના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિશ્વના દેશો વ્યાપારિક અને વ્યૂહાત્મક ભાગીદારી કરે છે પરંતુ કેટલાક સંબંધો માત્ર સહિયારા હિતો પૂરતા સીમિત હોતા નથી. તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોને આવા જ એક સંબંધનું ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ સહિયારી દ્રષ્ટિ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત છે. આ સંબંધમાં જોડાણ, દ્રઢ વિશ્વાસ, નવીનતા, પ્રેરણા, સહિયારા મૂલ્યો અને સહિયારો દ્રષ્ટિકોણ બધું જ સામેલ છે. આ જ આધાર પર બંને દેશોએ તાજેતરના વર્ષોમાં અનેક નવી પહેલો શરૂ કરી છે.

તેમણે ઉમેર્યું કે, 'ભારત ઇનોવેટ્સ' તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ મંચ ભારતની પ્રતિભા અને યુરોપિયન મૂડી વચ્ચે સેતુનું કામ કરી રહ્યું છે. આના માધ્યમથી ભારતીય યુવાનોને યુરોપિયન કુશળતા સાથે જોડાવાની અને પોતાના વિચારોને આગળ વધારવાની તક મળી રહી છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, 21મી સદીનું ભારત મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં સ્ટાર્ટઅપ ક્રાંતિ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, ભારતનો યુવા નવો દ્રષ્ટિકોણ અપનાવીને માનવતાની સમસ્યાઓના ઉકેલો શોધી રહ્યો છે. 'ભારત ઇનોવેટ્સ' આવા જ વિશ્વસ્તરીય ઉકેલોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડવાનું માધ્યમ છે.

તેમણે કહ્યું કે, આજે ભારત માત્ર ઉકેલોનો ઉપભોક્તા નથી પરંતુ ઉકેલો પ્રદાન કરનારા દેશ તરીકે ઉભરી રહ્યો છે. દેશ ટેકનોલોજી પ્રદાતાની ભૂમિકામાં આગળ વધી રહ્યો છે. તેમણે ઉપસ્થિત યુવા ઉદ્યોગસાહસિકોની પ્રશંસા કરતા કહ્યું કે તેમનામાં આત્મવિશ્વાસ અને ઉર્જાથી સભર નવા ભારતની ઝલક જોવા મળે છે. કેટલાક ઉદ્યોગસાહસિકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) દ્વારા ગ્રામીણ ભારતના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતોની મદદ માટે સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતનું લક્ષ્ય માનવતાની સેવા કરે તેવી ટેકનોલોજી વિકસાવવાનું છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતની ડિજિટલ ક્રાંતિ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ જ વિચારસરણી પર આધારિત છે. તેમણે કહ્યું કે, ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત દ્રષ્ટિ 'એઆઈ ફોર ઓલ' ના સિદ્ધાંત પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિના કલ્યાણ અને સુખને પ્રોત્સાહન આપવાનો છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ જ વર્ષે ભારત-ફ્રાન્સ યર ઓફ ઇનોવેશનની શરૂઆત થઈ છે. તેમણે ઉમેર્યું કે, 'ભારત ઇનોવેટ્સ'ની શરૂઆત પણ ફ્રાન્સ સાથે કરવામાં આવી રહી છે અને આ માટે તેમણે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande