આરોગ્ય ક્ષેત્રે 12 વર્ષમાં ઐતિહાસિક પરિવર્તન, આયુષ્માન ભારત અને જન ઔષધિ યોજનાથી કરોડો લોકોને મળ્યો લાભ: વડાપ્રધાન
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આરોગ્ય ક્ષેત્રે થયેલા પરિવર્તનો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને સામાન્ય લોકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આરોગ્ય ક્ષેત્રે થયેલા પરિવર્તનો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં ભારતે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા અને સારવારને વધુ સસ્તી બનાવવા તરફ નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જેવી યોજનાઓએ કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું કામ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ, રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલા સંદેશામાં જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત આજે વિશ્વનો સૌથી મોટો આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ બની ગયો છે. આ યોજના સમાજના આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે, આ યોજનાના માધ્યમથી લાખો પરિવારોને ગંભીર બીમારીઓની સારવારમાં આર્થિક રાહત મળી છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશભરમાં સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આનાથી સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના તબીબી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે માહિતી આપી હતી કે, સરકારે હૃદયના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટ અને ઘૂંટણ પ્રત્યારોપણ (ની ઇમ્પ્લાન્ટ) ની કિંમતોને પણ નિયંત્રિત કરીને સારવારને વધુ સસ્તી બનાવી છે, જેનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓને મળ્યો છે.

તેમણે તબીબી શિક્ષણ ક્ષેત્રે થયેલા વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશમાં નવી મેડિકલ કોલેજો અને આરોગ્ય સંસ્થાઓની સ્થાપના સાથે મેડિકલ બેઠકોની સંખ્યામાં સતત વધારો કરવામાં આવ્યો છે. આનાથી તબીબી શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનો માટે નવી તકો ઊભી થઈ છે અને ભવિષ્યમાં આરોગ્ય ક્ષેત્ર માટે વધુ પ્રશિક્ષિત માનવ સંસાધનો ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય માત્ર સારવારની સુવિધાઓનો વિસ્તાર કરવાનો નથી, પરંતુ એક સર્વગ્રાહી અને સશક્ત આરોગ્ય પ્રણાલી વિકસાવવાનો છે, જેથી દરેક નાગરિકને સમયસર અને વધુ સારી તબીબી સુવિધાઓ મળી શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 'સ્વસ્થ ભારત'ના નિર્માણની દિશામાં અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયાસો આગામી વર્ષોમાં વધુ અસરકારક પરિણામો આપશે.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર આરોગ્ય ક્ષેત્રે સુધારા, માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને આધુનિક તબીબી સુવિધાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે, જેથી દેશના દરેક નાગરિકને વધુ સારી આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande