
નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' પહેલા રવિવારે ઓનલાઇન યોગ સત્રએ એક નવો ઇતિહાસ રચ્યો છે. સવારે આયોજિત ઓનલાઇન યોગ સત્રમાં દેશ જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી આશરે 4,35,831 લોકોએ એકસાથે યોગ કર્યા. ગયા વર્ષે આ સંખ્યા 2,46,452 હતી.
આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા આયુષ મંત્રી પ્રતાપ રાવ જાધવે જણાવ્યું હતું કે, યોગ એ માત્ર એક દિવસનું આયોજન નથી, પરંતુ સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની એક શૈલી છે. તેમણે ખાસ કરીને યુવાનોને યોગને પોતાની જીવનશૈલી બનાવવા અને પોતાના પરિવાર, મિત્રો તથા સમાજને પણ આની સાથે જોડવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગ આજે એક વૈશ્વિક જન આંદોલન બની ચૂક્યો છે. યુટ્યુબ લાઇવ સ્ટ્રીમ પર લાખો દેશવાસીઓની ભાગીદારીએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ તરફ પગલાં વધારતા ભારતની સામૂહિક યોગ શક્તિનો અદ્ભુત પરિચય આપ્યો છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનનું 'યોગ-365' નું આહ્વાન આપણને પ્રેરણા આપે છે કે, આપણે યોગને માત્ર 21 જૂન સુધી સીમિત ન રાખતા, તેને વર્ષના 365 દિવસ આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ. આ માત્ર એક અભ્યાસ નથી, પરંતુ સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણનો દ્રઢ સંકલ્પ છે.
આ પ્રસંગે આયુષ સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકતામાં મુખ્ય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરશે. આયુષ સચિવે દેશ અને દુનિયાના લોકોને અપીલ કરતા કહ્યું કે જે લોકો પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત ન રહી શકે, તેઓ વર્ચ્યુઅલી જોડાઈને વડાપ્રધાનશ્રી સાથે યોગ કરે. પોતાના યોગાભ્યાસની સેલ્ફી #હર ઘર યોગ સાથે સોશિયલ મીડિયા પર શેર કરે અને આયુષ મંત્રાલયને ટેગ કરે.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાનને જન-જન સુધી પહોંચાડવા અને વધુ સુલભ બનાવવા માટે આયુષ મંત્રાલયની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર સતત 100 દિવસ સુધી મફત ઓનલાઇન લાઇવ યોગ સત્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હેબિલ્ડના સ્થાપકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ યુટ્યુબ લાઇવ સ્ટ્રીમમાં ભારત સહિત વિશ્વભરના લાખો લોકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. લાખો યોગ સાધકોની આ અભૂતપૂર્વ ભાગીદારીએ 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ'ની દિશામાં મજબૂતીથી પગલાં વધારતા, વિશ્વ પટલ પર ભારતની સામૂહિક યોગ શક્તિનો અદ્ભુત પરિચય આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ