
વરસાદ પડતા જ ઊંડેરા-કોયલી-નંદેસરી અને આણંદને જોડતો મુખ્ય માર્ગ બંધ થવાની સંભાવના.
વડોદરા,15 જૂન (હિ.સ.) મ્યુનિસિપલ કમિશનરની 'કાયમી નિકાલ'ની બાંહેધરી માત્ર કાગળ પર રહી હોવાનો આક્ષેપ.
વડોદરાના ઊંડેરા વિસ્તારમાં આવેલું તળાવ આગામી દિવસોમાં જો ભારે વરસાદ પડશે તો ફરી એકવાર ઓવરફ્લો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ગત વર્ષે આ તળાવના કારણે ભારે હોનારત સર્જાઈ હતી, છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ સુધી ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
વડોદરાનો ઊંડેરા વિસ્તાર અને આ વિસ્તારની મધ્યમાં આવેલું આ ઊંડેરા તળાવ. હવામાન વિભાગની આગાહી મુજબ જો આગામી દિવસોમાં અહીં ભારે વરસાદ પડશે, તો આ તળાવ ફરી ઓવરફ્લો થશે. જો તળાવ છલકાશે તો ઊંડેરાથી કોયલી, નંદેસરી તેમજ આણંદ જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આ માર્ગ બંધ થતાં જ અહીં વાહનોની લાંબી કતારો અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તો નવાઈ નહીં.
ગત વર્ષે ચોમાસા દરમિયાન આ ઊંડેરા તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવના ગંદા પાણી આજુબાજુની સોસાયટીઓ અને લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
ગત વર્ષની આ ગંભીર પરિસ્થિતિ બાદ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરે જાતે ઊંડેરા તળાવની મુલાકાત લીધી હતી. તે સમયે કમિશનરે ગ્રામજનોને અને સ્થાનિકોને ખાતરી આપી હતી કે, આ પાણીના ભરાવવાનો કાયમી નિકાલ કરવામાં આવશે અને વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તો બનાવી આપવામાં આવશે. પરંતુ આજે એક વર્ષ વીતી જવા છતાં પરિસ્થિતિ જસની તસ છે.
હવે જ્યારે ફરી એકવાર વરસાદી ઋતુ શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે ઊંડેરા ગામ અને આજુબાજુના રહીશોમાં તળાવ છલકાવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રશાસને માત્ર પોકળ દાવાઓ કર્યા છે, ધરાતલ પર કોઈ કામ થયું નથી.
ગયા વર્ષે અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, અમારું નુકસાન થયું હતું. કમિશનરે આવીને વૈકલ્પિક રસ્તાની બાંહેધરી આપી હતી. પણ હજુ સુધી કોઈ વૈકલ્પિક રસ્તો બન્યો નથી. જો હવે વરસાદ આવશે તો અમારે ફરીથી એ જ પરિસ્થિતિ ભોગવવી પડશે. તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી છે.
ઊંડેરાના સ્થાનિકોના સવાલો અને તેમની ચિંતા બિલકુલ વ્યાજબી છે. કમિશનરની બાંહેધરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરા કોર્પોરેશન વરસાદ તૂટી પડે તે પહેલા જાગશે કે પછી ઊંડેરાના લોકોને ફરી એકવાર રામભરોસે છોડી દેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ