
પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદરના ઓડદર ગામે રહેતી 29 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ, સાસુ-સસરા, દિયર, નણંદ અને નણદોઈ સામે માનસિક તથા શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ મીરાબેન રણજીતભાઈ પારઘી (મૂળ સરદારગઢ, તા. માણાવદર)ના લગ્ન થયા બાદ લગભગ એક મહિનાથી જ સાસરી પક્ષના સભ્યોએ નજીવી બાબતોને લઈને હેરાનગતિ શરૂ કરી હતી. કપડાં ધોવા તેમજ ઘરકામ જેવી બાબતોમાં વારંવાર બોલાચાલી કરી ઝઘડા કરવામાં આવતા અને અપશબ્દો બોલી અપમાનિત કરવામાં આવતી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પતિ રણજીતભાઈએ એક પ્રસંગે પત્નીને થપ્પડ મારી હતી, જ્યારે સાસુ લક્ષ્મીબેને પણ પીઠ પાછળ ધક્કો મારી શારીરિક ત્રાસ આપ્યો હતો. અન્ય આરોપીઓએ પણ એકબીજાની ચડામણી કરી પરિણીતાને માનસિક રીતે પરેશાન કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાને લઈને પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 85, 54, 115(2) અને 352 હેઠળ પતિ સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya