



પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિલ્લા સર્કિટ હાઉસ વિસ્તાર પાસે આવેલા ગાર્ડન નં. 2નું રૂ. 76.62 લાખના ખર્ચે આધુનિક નવીનીકરણ પૂર્ણ થતાં, તેનું અટલ ઉદ્યાન નામકરણ કરીને ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના વરદ હસ્તે તેમજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાગરિકોને વધુ સારી મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવાના આશય સાથે આ બગીચામાં અનેક આધુનિક વિકાસકામો કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
બગીચાની સુરક્ષા અને સૌંદર્ય વધારવા માટે ફેરોસિમેન્ટ પ્રવેશદ્વાર સાથે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાળકો માટે વિશેષ ચિલ્ડ્રન પ્લે એરિયા, આધુનિક કોમ્બો પ્લે સ્ટેશન અને આરામદાયક બેઠક વ્યવસ્થા ઉભી કરાઈ છે. યુવાનો અને આરોગ્યપ્રેમી નગરજનો માટે ઓપન જીમ વિસ્તાર વિકસાવીને તેમાં લેગ પ્રેસ, એર વોકર, સાઇક્લિંગ મશીન, આર્મ એક્સરસાઇઝ અને ચેસ્ટ પ્રેસ સહિતના 6 અદ્યતન જીમ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ ઉદ્યાનને પ્રકૃતિમય અને હરિયાળું બનાવવા માટે રાતરાણી, ચંપો, કનેર, કેપ જાસ્મીન, ક્રિનમ લિલી, જાટ્રોફા, તુલસી, અડુલસા પિંક, ગોલ્ડન ડ્યુરાન્ટા, એકેલીફા માર્બલ, ક્રોટન લેમન, કૃષ્ણ વેલ્વેટ, મયૂર પંખ તેમજ રિયો સહિતની વિવિધ પ્રજાતિના આકર્ષક શોભાના છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
મુલાકાતીઓ પ્રકૃતિના સાનિધ્યમાં સુખદ સમય વિતાવી શકે તે માટે રિવર ફિનિશ કોટા સ્ટોન પેવિંગથી આહલાદક વોક-વે, ટર્ફ પેવર પાથવે અને સુંદર લેન્ડસ્કેપિંગ સાથે સેલ્ફી પોઇન્ટ રૂપે પર્ગોલાનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, નગરજનો માટે 20 બેસવાની બેન્ચ, રાત્રિ પ્રકાશ માટે 20 વિન્ટેજ શૈલીના ડેકોરેટિવ લાઇટ પોલ, 40 બટરફ્લાય લાઇટ્સ અને સુરક્ષાના હેતુથી જરૂરી સ્થળોએ આકર્ષક બોલાર્ડ્સ મૂકવામાં આવ્યા છે.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઇ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડે. મ્યુનિ. કમિશનર મનન ચતુર્વેદી, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya