
નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, સરકાર દેશમાં વધુ વિદેશી મૂડી લાવવા માટે વધુ પગલાં લેશે. તેમણે કહ્યું કે, બોન્ડ માર્કેટ માટે જાહેર કરાયેલા ઉપાયો તો માત્ર શરૂઆત હતી.
સીતારમણે નવી દિલ્હીમાં 'હીરો માઇન્ડમાઇન સમિટ 2026'ને સંબોધતા આ વાત કહી. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, “અમે માનીએ છીએ કે આપણને વધુ વિદેશી મૂડીની જરૂર છે.” નાણાં મંત્રીએ કહ્યું કે, વિદેશી મૂડી પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા અને સરકાર દ્વારા જાહેર કરાયેલા ઉપાયો માત્ર શરૂઆત છે, જ્યારે હજી આગળ વધુ પગલાં લઈ શકાય છે.
‘હીરો માઇન્ડમાઇન સમિટ 2026’ને સંબોધતા તેમણે કહ્યું કે, સરકારી પ્રતિભૂતિઓમાં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણ પર વ્યાજ અને મૂડીલાભ કરમાંથી છૂટ જેવા ઉપાયો વિદેશી મૂડીને ફરી આકર્ષવા તરફનું પ્રથમ પગલું છે. સીતારમણે કહ્યું, ‘‘આ વાર્તાનો અંત નથી અને પગલાં લેવાશે. અમે માનીએ છીએ કે આપણને વધુ વિદેશી મૂડીની જરૂર છે.’’
સીતારમણે 'માઇન્ડમાઇન સમિટ 2026'માં હીરો એન્ટરપ્રાઇઝના ચેરમેન સુનીલ કાંત મુંજાલ અને મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસેજ લિમિટેડના ચેરમેન રામદેવ અગ્રવાલ સાથે એક અનૌપચારિક વાતચીત (ફાયરસાઇડ ચેટ)માં ભાગ લીધો. આ દરમિયાન નાણાં મંત્રીએ કહ્યું કે વૈશ્વિક સ્થિતિ દર અઠવાડિયે બદલાઈ રહી છે અને નવી-નવી પડકારો સામે આવી રહ્યા છે. તેથી દેશે દરેક આવી આપાત પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.
તેમણે કહ્યું કે, આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા માળખા હેઠળ કરન્સી જોખમની કિંમત આરબીઆઈ વહન કરશે, જેથી બેંકો કોઈ અડચણ વિના પોતાના સંસાધનો ઊભા કરી શકશે. ભારતીય અર્થવ્યવસ્થા કાચા માલ, કાચા તેલ અને ખાતરના આયાતને કારણે ‘‘ગંભીર દબાણ’’નો સામનો કરી રહી છે. જોકે તેમણે કહ્યું કે, સક્રિય નીતિઓ અને રાજ્યોની મજબૂત ભાગીદારીને કારણે ભારતનું ડેટા સેન્ટર અને જીસીસી ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહ્યું છે. જે પ્રવૃત્તિઓ પહેલાં બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હી-એનસીઆર સુધી જ સીમિત હતી, તે હવે તુમકુરુ અને મંગલુરુ જેવા ટિયર-2 શહેરો સુધી પણ ફેલાઈ રહી છે. તેનો અર્થ થશે વધુ નોકરીઓ, વધુ સારી ડેટા સુરક્ષા અને સ્થાનિક અર્થતંત્રોને પ્રોત્સાહન.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે 5 જૂને બેંકોને ત્રણથી પાંચ વર્ષના સમયગાળા ધરાવતા વિદેશી મુદ્રા અનિવાસી (બેંક) જમા માટે પોતાની કરન્સી સ્વેપ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, જેથી તેઓ અમેરિકન યુએસ ડોલર જમા આરબીઆઈ સાથે બદલી શકે અને કરન્સી જોખમનું સંચાલન કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ