


પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના નાગરિકોને વધુ ગુણવત્તાયુક્ત, આધુનિક અને અસરકારક નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિભાગો માટે ખરીદ કરવામાં આવેલ કુલ રૂ. 89.88 લાખના ખર્ચના આધુનિક સાધનોનું લોકાર્પણ શહેરના તાજાવાલા હોલ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિની ઉપસ્થિતિમાં સાધનો પ્રજાને સમર્પિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાને ઉપલબ્ધ થતા આધુનિક સાધનોના કારણે શહેરી સેવાઓની ગુણવત્તામાં વધારો થશે તેમજ નાગરિકોને ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ પ્રાપ્ત થશે. સંસદ સભ્ય ડૉ. મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા માટે રૂ. 35 લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ અત્યાધુનિક ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીવનરક્ષક સાધનોથી સજ્જ આ એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અકસ્માત, હૃદયરોગ, ગંભીર ઈજાઓ કે અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થતાં સારવારની ગુણવત્તામાં વધારો થશે અને કિંમતી જીવ બચાવવામાં મદદરૂપ બનશે. GUDC, ગાંધીનગર દ્વારા પોરબંદર મહાનગરપાલિકાને આપવામાં આવેલ રૂ. 30 લાખના ખર્ચના ત્રણ ડિસિલ્ટિંગ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભૂગર્ભ ગટર અને ડ્રેનેજ લાઈનોમાં જમા થતી ગાદ અને કચરાને સમયસર દૂર કરી શકાય તે હેતુસર આ મશીનો ઉપયોગી બનશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓને ઘટાડવા તથા સ્વચ્છતા જાળવવા માટે આ મશીનો મહત્વપૂર્ણ સાબિત થશે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ડિસિલ્ટિંગ મશીનોના કારણે સ્વચ્છતા વિભાગની કામગીરી વધુ અસરકારક બનશે. પોરબંદર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 24.88 લાખના ખર્ચે ખરીદ કરવામાં આવેલ 11 મીટર સ્કાય લિફ્ટનું લોકાર્પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ સ્કાય લિફ્ટના માધ્યમથી શહેરના મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ આવેલા ઊંચા વૃક્ષોની ડાળીઓની કાપકૂપ, હરિયાળીના જતન તથા ગાર્ડન વિભાગની વિવિધ કામગીરી વધુ સુરક્ષિત, ઝડપી અને સુવ્યવસ્થિત રીતે કરી શકાશે. અગાઉ આવી કામગીરી માટે મર્યાદિત સાધનો ઉપલબ્ધ હોવાથી મુશ્કેલીઓ સર્જાતી હતી, પરંતુ આ સુવિધાથી ગાર્ડન વિભાગની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. પોરબંદર શહેરના સર્વાંગી વિકાસ માટે જનકેન્દ્રિત અભિગમ સાથે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ શહેરના વિકાસ માટે આવા પ્રયાસો ચાલુ રહેશે. આ પ્રસંગે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ કરાયેલા સાધનોમાં રૂ. 35.00 લાખની ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ, GUDC ગાંધીનગર દ્વારા પ્રાપ્ત રૂ. 30.00 લાખના ત્રણ ડિસિલ્ટિંગ મશીન, ગાર્ડન વિભાગ માટે રૂ. 24.88 લાખની 11 મીટર સ્કાય લિફ્ટનો સમાવેશ થાય છે. આ ત્રણેય સાધનોની કુલ કિંમત રૂ. 89.88લાખ થાય છે. આ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાએ શહેરને વધુ સુવિધાસભર, સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યલક્ષી બનાવવાના પોતાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. જનસુવિધાઓના વિસ્તરણ અને નાગરિક કેન્દ્રિત વિકાસના અભિગમ સાથે હાથ ધરાયેલા આ પ્રયાસોથી શહેરના નાગરિકોને સીધો લાભ મળશે અને પોરબંદરના સર્વાંગી વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya