
સુરત, 15 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના 12 વર્ષની પૂર્ણતાની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો સીધા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવનમાં વરાછા પૂર્વ ઝોન એ, બી અને કતારગામ ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. મેયર માયાબેન માવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ તેમજ ધારાસભ્યોના હસ્તે લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના મંજૂરીપત્રો તથા કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સફળ 12 વર્ષના નેતૃત્વને જનસેવાના માધ્યમથી વધાવવા સમગ્ર રાજ્ય સહિત સુરતમાં ‘જન કલ્યાણ શિબિર’ના માધ્યમથી જન-જન સુધી વિકાસના લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે. વર્ષ 2014 પછી દેશ વિકાસના એક નવા અને સુવર્ણ માર્ગે સતત આગળ વધી રહ્યો છે.
છેલ્લા 12 વર્ષની સરકારની અવિરત વિકાસયાત્રાની ફલશ્રુતિ જણાવતા સાંસદ મુકેશભાઈ દલાલે કહ્યું હતું કે, 'જનકલ્યાણ શિબિર' એ સરકારની પ્રજા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં વિનામૂલ્યે અને એકછત્ર નીચે સરકારી કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે. આજે દેશમાં દરેક ક્ષેત્રે સમાંતર અને સર્વગ્રાહી વિકાસ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પર્યાવરણની રક્ષા સાથે પ્રગતિ સાધીને ગુજરાત ગ્રીન એનર્જી, સોલાર એનર્જીના ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં અગ્રસેર બન્યું છે.
વચેટિયા પ્રથા નાબૂદ કરીને વિકાસના તમામ લાભો આજે ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ જનતા સુધી, છેવાડાના નાગરિકના ઘર સુધી પારદર્શક રીતે પહોંચી રહ્યા છે એમ જણાવી શિબિરના માધ્યમથી સહાય યોજનાઓના મહત્તમ લાભો લેવા સૌને નાગરિકોને દલાલે આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે સામાન્ય માણસને સરકારની નાની-મોટી યોજનાઓનો લાભ લેવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. હવે આવી 'જનકલ્યાણ શિબિર' કે સેવાસેતુ જેવા લોકલક્ષી કાર્યક્રમોમાં લાભાર્થીઓ ઇચ્છિત યોજનાઓના ઘરઆંગણે લાભો મેળવી રહ્યા છે. જાહેર વહીવટ પારદર્શક બન્યો છે અને પ્રજાનો સમય તથા શક્તિ બંને બચ્યા છે. હવે સરકારી કચેરીઓમાં કોઈ વચેટીયા જોવા નથી મળતા. સરકારની યોજનાઓના પૈસા અને લાભ, કોઈ પણ કાપ વગર સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.
સરકારની આર્થિક સહાયને કારણે આપણી બહેનો સ્વાવલંબી બની છે એમ જણાવી વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'ના નિર્માણ માટે 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સામૂહિક યોગદાનથી સિદ્ધ કરવા કાનાણીએ સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ કહ્યું હતું કે, પ્રજાના હિત માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો દેશના કરોડો લોકોએ લાભ મેળવ્યો છે. લોકોના ઘરઆંગણે સહાય અને લાભ પહોંચે એ જ સાચો વિકાસ છે. લોકોને સરળતાથી લાભો મળે, વહીવટી પ્રક્રિયા સરળ બને અને સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ થાય એ જ આ શિબિરનો સાચો મંત્ર છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ કાંતિભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી, ડે.મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, દંડક મતી ઉર્મિલાબેન ત્રિપાઠી, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, મનપાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, આગેવાનો, લાભાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે