

પાટણ, 15 જૂન (હિ.સ.)હારિજ તાલુકાના ગોવના ગામે આવેલા રામજી મંદિરમાં ગૌ માતા અને પાંજરાપોળના અબોલ પશુઓના ઘાસચારા માટે આયોજિત એક માસીય રામકથાની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કથાકાર ત્રિભોવનદાસ સાધુએ જણાવ્યું કે કથામાંથી એકત્રિત થયેલી તમામ રકમ પશુઓના ઘાસચારા માટે ઉપયોગમાં લેવાશે.
ગામમાં બે વર્ષ પહેલાં દોઢ કરોડના ખર્ચે નવું રામજી મંદિર નિર્માણ પામ્યું હતું. નવા મંદિરના નિર્માણ બાદ આવેલા પ્રથમ પુરુષોત્તમ માસ દરમિયાન સમગ્ર માસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્ણાહુતિના દિવસે ગામમાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે અંકુટ જાડેજા બળવંતસિંહ કેશુજી દ્વારા ભગવાન શ્રી રામને 56 ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો, જ્યારે વાઘેલા વિક્રમજી મફાજીએ ઉછમણીનો લાભ લીધો હતો.
ગ્રામજનોએ ઉદાર હાથે દાન આપતાં રૂ. 50 હજારથી વધુની રકમ એકત્રિત થઈ હતી. કથાના સમગ્ર સમયગાળા દરમિયાન ગામના વિવિધ સમાજોના પરિવારો દ્વારા રોજિંદા પ્રસાદની સેવા પણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ