



પોરબંદર, 15 જૂન (હિ.સ.)વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ અંતર્ગત દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા અને રાજ્યના વન-પર્યાવરણ તથા સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયા ઉપસ્થિતિમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્ધ જમીન, માર્ગ-રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ માળખાની સમીક્ષા કરવામાં આવી હતી.
સમિટ દરમિયાન ડૉ. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશના રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરીને રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે સરકાર દ્વારા આપવામાં આવનારા વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેને ફોર-લેન બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી છ મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે. ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે 1,000 હેક્ટર જેટલી વધારાની જમીન ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે દરિયાકાંઠાથી માત્ર 12 કિમી દૂર આવેલું ભારવાડા સ્થળ બંદર, રેલવે અને હાઈવે કનેક્ટિવિટીથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણાવવામાં આવ્યું છે. સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટા પાયે રોકાણ, રોજગારીનું સર્જન અને નાના-મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
દેશ-વિદેશથી ઉપસ્થિત પ્રતિનિધિમંડળોએ પોરબંદર જેટીની મુલાકાત લીધી હતી. વિદેશથી આયાત થનારા લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, તેના ઉપયોગ અને ફર્નિચર પાર્કને મળનારા લાભો અંગે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ પ્રતિનિધિમંડળે પોરબંદર નજીકના ભારવાડા વિસ્તારમાં સૂચિત મેગા ફર્નિચર પાર્ક માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઉપલબ્ધ જમીન, માર્ગ અને રેલ કનેક્ટિવિટી, લોજિસ્ટિક્સ સુવિધાઓ તથા ઉદ્યોગ વિકાસની સંભાવનાઓનું સ્થળ પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અમિત પ્રકાશ યાદવ, અધિક ઉદ્યોગ કમિશ્નર અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર iNDEXTb એ ડેલિગેટ્સને મુલાકાત દરમ્યાન પોલિસી વિષયક સમજૂતી પ્રદાન કરીને આશ્વાસન વ્યક્ત કર્યું કે ગુજરાત સરકાર પાર્કના કંપ્લેસન માટે હંમેશા તૈયાર રહેશે.
ઉલ્લેખનીય છે કે સૂચિત મેગા ફર્નિચર પાર્કના વિકાસથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થશે, નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેમજ પોરબંદર વૈશ્વિક ફર્નિચર ઉદ્યોગના નકશા પર એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા સહિત આગેવાનો, અધિકારીઓ અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya