અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર, હસ્તાક્ષર શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં
દોહા/વોશિંગ્ટન/તેહરાન, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). મધ્ય પૂર્વમાં તણાવના વાદળો છંટાતા દિવસો આવી ગયા છે. 28 ફેબ્રુઆરીથી યુદ્ધનું મેદાન બનેલા હોર્મુઝ જળડમરુમધ્યમાં હવે જહાજોની અવરજવર નિર્વિઘ્ન થઈ શકશે. લાંબી ખેંચતાણ બાદ અમેરિકા અને ઈરાને સમાધાન કરી લી
સાંકેતિક


દોહા/વોશિંગ્ટન/તેહરાન, નવી દિલ્હી, 15 જૂન (હિ.સ.). મધ્ય પૂર્વમાં તણાવના વાદળો છંટાતા દિવસો આવી ગયા છે. 28 ફેબ્રુઆરીથી યુદ્ધનું મેદાન બનેલા હોર્મુઝ જળડમરુમધ્યમાં હવે જહાજોની અવરજવર નિર્વિઘ્ન થઈ શકશે. લાંબી ખેંચતાણ બાદ અમેરિકા અને ઈરાને સમાધાન કરી લીધું છે. વોશિંગ્ટન અને તેહરાને શાંતિ કરારની પુષ્ટિ કરી છે. મુખ્ય મધ્યસ્થી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો દૃઢ મત છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થઈ ગયો છે અને એટલું જ નહીં, આ કરાર હવે અમલમાં આવી ગયો છે. કરાર પર હસ્તાક્ષર શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં થશે.

અલ જઝીરા, ગલ્ફ ન્યૂઝ અને સીએબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ઈરાન સાથે કરાર થઈ ગયો છે. તેમણે હોર્મુઝ જળડમરુમધ્યમાં અમેરિકાની નૌસેનાકીય નાકાબંધી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું કે કરારના અંતિમ મુસદ્દા પર બંને પક્ષોની સહમતિ થઈ ગઈ છે. હવે લેબનાન સહિત તમામ મોરચાઓ પર યુદ્ધ સમાપ્ત થઈ જશે. ઈરાનની સેનાએ જણાવ્યું કે ઈરાની લોકોએ સાબિત કરી દીધું છે કે અમેરિકા અને ઇઝરાયલ પાસે હાર સ્વીકારવા અને આત્મસમર્પણ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં માઇનોરિટી લીડર હકીમ જેફ્રીઝે ઈરાન સાથેના કરાર અંગે ટ્રમ્પની જાહેરાત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમેરિકા પહેલેથી જ ઈરાન સાથે એક કરાર કરી ચૂક્યું હતું, જેણે 2015માં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં તેના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કર્યો હતો. તેમણે એક્સ પર લખ્યું, ડોનાલ્ડ ટ્રમ્પે વગર વિચારી-સમજીને તે કરાર રદ કરી દીધો અને અમને યુદ્ધમાં ધકેલી દીધા. હવે ગેસના ભાવ આકાશને આંબી રહ્યા છે. ઈરાન વધુ મજબૂત થઈ ગયું છે. આ છે ટ્રમ્પનો રેકોર્ડ.

ટ્રમ્પે જણાવ્યું કે, જો આ કરાર સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવે, તો તે એવા સંકટમાં મોટો વળાંક સાબિત થશે જેમાં ઇઝરાયલ, હિઝબુલ્લાહ અને પ્રદેશના અન્ય પક્ષો સામેલ રહ્યા છે અને જેના કારણે લેબનાન, ગાઝા અને સમુદ્રી માર્ગો પર લડાઈ ફેલાઈ હતી. અમેરિકન સમાચાર ચેનલ સીએબીએસ ન્યૂઝનું કહેવું છે કે, આ પુષ્ટિ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે અઠવાડિયાં સુધી ચાલેલા વિરોધાભાસી સંકેતો બાદ આવી છે. બંને પક્ષોએ અગાઉ પ્રગતિના સંકેતો તો આપ્યા હતા, પરંતુ સાથે સાથે કોઈપણ અંતિમ કરારની મુખ્ય શરતો પર અસહમતિ પણ વ્યક્ત કરી હતી. પ્રદેશમાં તણાવ હજી પણ યથાવત્ છે. જમીની સ્તરે સહયોગી જૂથો આ કહેવાતી સફળતા પર કેવી પ્રતિક્રિયા આપશે તે હજી સ્પષ્ટ નથી.

આ દરમિયાન વિશ્વભરના નેતાઓએ સોમવારે આ શાંતિ કરારનું સ્વાગત કર્યું. આ કરારની કતાર, તુર્કીયે, બ્રિટન, જર્મની અને ફ્રાન્સે પ્રશંસા કરી. કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન બિન જાસિમ અલ થાનીએ એક્સ પર લખ્યું, અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વચ્ચે થયેલા સમજૂતી પત્રનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે કતાર ભવિષ્યની વાટાઘાટો સકારાત્મક અને રચનાત્મક ભાવના સાથે થવાની આશા રાખે છે.

તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું, મને સંપૂર્ણ આશા છે કે આ ખબર, જેની દુનિયાને લાંબા સમયથી જરૂર હતી, અમારા પ્રદેશમાં શાંતિ અને સુરક્ષાનું સ્થાયી વાતાવરણ બનાવવા માટેનો માર્ગ ખોલશે. તેમણે ઉશ્કેરણીજનક કાર્યવાહીથી બચવાની ચેતવણી પણ આપી અને કૂટનીતિક પ્રયાસોને ટેકો આપવા માટે પાકિસ્તાન, કતાર અને સાઉદી અરેબિયાનો આભાર માન્યો.

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ કરારને યુદ્ધ સમાપ્ત કરવા, પ્રાદેશિક સ્થિરતા સુનિશ્ચિત કરવા અને હોર્મુઝ જળડમરુમધ્યને ફરીથી ખોલવા તરફનું અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. સ્ટાર્મરે કહ્યું, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પાકિસ્તાન, કતાર તથા અન્ય દેશોના તે મધ્યસ્થીઓને અભિનંદન આપું છું જેમણે આ સફળતામાં યોગદાન આપ્યું છે. જર્મન ચાન્સલર ફ્રેડરિક મેર્ઝે પણ આ કરારનું સ્વાગત કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કરારને ઝડપી રીતે અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી છે.

ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે. સૌને અભિનંદન. વિશ્વભરના જહાજો, તમારા એન્જિન ચાલુ કરો. તેલનો પ્રવાહ શરૂ થવા દો. પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે જણાવ્યું છે કે, કરાર પર સત્તાવાર હસ્તાક્ષર શુક્રવાર (19 જૂન) સ્વિટ્ઝર્લેન્ડમાં થશે. તેમણે કૂટનીતિક પ્રક્રિયામાં યોગદાન માટે કતાર, સાઉદી અરેબિયા અને તુર્કીયેનો આભાર માન્યો. શરીફ મુજબ, મધ્યસ્થીઓ ઔપચારિક હસ્તાક્ષર પહેલાં અનેક બેઠકો યોજશે, જેથી તકનિકી ચર્ચાઓ અને કરારના અમલ માટેની જમીન તૈયાર થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande