
સુરત, 15 જૂન (હિ.સ.): શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ખાતે રહેતા રત્નકલાકારના ધોરણ-10માં અભ્યાસ કરતા પુત્રએ પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે આવેલ વર્ષા સોસાયટીમાં રહેતા કનુભાઈ ભાલીયા પરિવારમાં પત્ની તથા બે પુત્રો સાથે રહે છે અને હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવે છે.દરમ્યાન તેમના પુત્ર પ્રદીપ ( ઉ.વ.14 ) એ ગઈ કાલે ઘરમાં પંખા સાથે દોરી બાંધીને ફાસો ખાય આપઘાત કરી લીધો હતો.પિતા કનુભાઇએ જણાવ્યું હતું કે ગઈ કાલે સાંજે તેઓ પત્ની અને નાના પુત્ર કરણને લઈને વર્ષા સોસાયટીમાં જ રહેતા સાળાના ઘરે બેસવા માટે ગયા હતા.પુત્ર પ્રદીપે જણાવ્યું હતું કે તેને સવારે શાળામાં જવાનું હોવાથી તે ઘરે સુઈ જશે તેમ કહીને તેમની સાથે નથી ગયો હતો અને ઘરે એકલો જ હતો.દરમ્યાન તેને દરવાજો અંદરથી બંધ કરીને ફાસો ખાય લીધો હતો.માતા-પિતા રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે અનેકવાર દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. શંકા જતાં દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં પુત્રનો મૃતદેહ ફાંસે લટકતો જોઈ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.વધુમાં પિતાએ જણાવ્યું હતું કે પ્રદીપ હાલમાં વરાછા માતાવાડી વિસ્તારની એક શાળામાં 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો,પણ તેને આ પગલું કયા કારણસર ભર્યું છે તે બાબતે અમને પણ નથી ખબર પડી.પોલીસે બનાવ અંગે આંગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે