
જામનગર, 16 જૂન (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા દ્વારા કેન્દ્રીય સરકારની પ્રેરિત ‘PM e-Bus Seva’ યોજના અંતર્ગત જામનગર શહેરના જાહેર પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ અંદાજે રૂ. 18.26 કરોડના ખર્ચે ઇ-બસ ડેપો, ચાર્જિંગ સ્ટેશન, સિવિલ વર્ક્સ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે શહેરના નાગરિકોને સમર્પિત 25 આધુનિક ઇલેક્ટ્રિક બસો (ફેઝ-1)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ રંજન જીવાણી, ધારાસભ્યો રાઘવજી પટેલ, દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા, કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા. જિલ્લા વિકાસ અધિકારી નિશા, અગ્રણીઓ બીના કોઠારી, ડો.વિનોદભંડેરી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું.શ્રી ગુલાબકુંવરબા (ધન્વંતરી મંદિર) કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.PM e-Bus Seva યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી ઇલેક્ટ્રિક બસો પર્યાવરણમૈત્રી, પ્રદૂષણમુક્ત અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ બસોના સંચાલનથી શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, ઇંધણ ખર્ચમાં બચત થશે અને નાગરિકોને વધુ આરામદાયક તથા સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે.વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ દેશમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલો હાથ ધરવામાં આવી રહી છે. PM e-Bus Seva યોજના પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેના માધ્યમથી દેશના શહેરોમાં સ્વચ્છ અને આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.જામનગર મહાનગરપાલિકાની આ પહેલથી શહેરના પરિવહન ક્ષેત્રે ગુણાત્મક સુધારો થશે અને નાગરિકોને વધુ સુવિધાજનક, સસ્તી તેમજ પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવા ઉપલબ્ધ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt