
જામનગર, 16 જૂન (હિ.સ.) :
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોટી ખાવડી ગામમાં રાજ કોમ્પ્લેક્સ સામે આવેલા શુભમ ગેસ્ટ હાઉસની નીચે સંજીવ રામલાલ શર્મા નામનો ઇસમ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં “બિહારી ક્લિનિક” નામે દવાખાનું ચલાવી દર્દીઓની તપાસ કરી વિવિધ પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન આપી સારવારના નામે રૂપિયા વસૂલ કરી રહ્યો છે.
બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી તપાસ કરતા બાતમી સાચી હોવાનું જણાયું હતું. સ્થળ પરથી જુદી જુદી કંપનીની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.4,728નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ મામલે આરોપી વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ-1963ની કલમ 30 તથા ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)ની કલમ 125 હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt