વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજુલા પંથકની ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગાંધીનગર,16 જૂન (હિ.સ.) વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ
Minister Arjun Modhwadia


ગાંધીનગર,16 જૂન (હિ.સ.) વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.

મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકના અવસાનના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને શોકાતુર પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકની ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો છે. આ સાથે જ, ભવિષ્યમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય તે માટે સમગ્ર વિસ્તારમાં વન વિભાગના ટ્રેકરોની સંખ્યા વધારવા તેમજ રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

વધુમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં એશિયાટિક સિંહો માનવ સંઘર્ષમાં ઉતરવાનું ટાળતા હોય છે, પરંતુ ક્યારેક પરિસ્થિતિજન્ય કારણોસર તેમના વર્તનમાં અણધાર્યો બદલાવ આવતો હોય છે, જે આવી દુર્ઘટનાઓમાં પરિણમે છે. માનવજીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande