
રાજકોટ,16 જૂન (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ. જનક કોટકના નિવાસસ્થાને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુશ્કેલ અને દુઃખની ઘડીમાં તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવી હતી.
વિશ્વકર્માએ જણાવ્યું છે કે, સ્વ. જનક કોટક પક્ષના એક નિષ્ઠાવાન અને પાયાના નેતા હતા, જેઓ જનસંઘના સમયથી લઈને આજ સુધીની ભાજપની ભવ્ય યાત્રાના સાક્ષી રહ્યા હતા. પક્ષના સંગઠનને મજબૂત કરવામાં અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.
રાષ્ટ્ર અને પક્ષ પ્રત્યેનું તેમનું આજીવન સમર્પણ અને યોગદાન ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહીં ભૂલે.રાજકોટના પૂર્વ મેયર અને રાજાના હુલામણા નામથી જાણીતા જનક કોટકનું નિધન થતા જનસંઘથી લઈ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે શોકની લાગણી જોવા મળી હતી. જનક રાજાની 50 વર્ષથી થતી ગરબી આજે પણ પ્રખ્યાત છે.
રંગીલા શહેરમાં 7 વખત કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને છેલ્લે મેયર તરીકેનું પદ શોભાવ્યું છતાં પણ ઝભ્ભો - લેંઘો અને પગમાં સ્લીપર એ તેમનો પહેરવેશ રહ્યો ત્યારે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ સાથે અંગદાનના લેવડાવેલા સંકલ્પને પણ આજે લોકો યાદ કરે છે. વર્ષ 2014 થી 2021 સુધીમાં ભારતમાં પોણા આઠ કરોડ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હોવાનું સામે આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ