



પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તથા પ્રદેશ સંયોજક (ગ્રંથાલય નિર્માણ) વિજયભાઈ થાનકી દ્વારા લખાયેલ આત્મકથાનક પુસ્તક “સ્મૃતિ અને સ્પંદન”નું ભવ્ય વિમોચન તાજેતરમાં પોરબંદર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે યોજાયેલા જિલ્લા પ્રશિક્ષણ વર્ગ દરમિયાન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિજય થાનકીનું આ પુસ્તક કાર્યકરો માટે સીમાચિહ્ન સમાન છે. આશરે 500 પાનાંના આ ગ્રંથ પાછળ છેલ્લા પાંચ વર્ષનું સંશોધન અને પરિશ્રમ રહેલો છે, જે અત્યંત પ્રશંસનીય છે.કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા,જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, મેયર સાગર મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પ્રદેશ અગ્રણી પ્રદીપ ખીમાણી, જિલ્લા પ્રભારી વિમલ કગરાણા, મહામંત્રી પ્રવીણ ખોરાવા, પ્રવીણ ઓડેદરા, રાજશી પરમાર, નિલેશ ઓડેદરા, સહિત ના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કપિલભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે વ્યવસ્થાની જવાબદારી તેજસભાઈ થાનકીએ સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે “સ્મૃતિ અને સ્પંદન” પુસ્તકમાં લેખકે સંઘ, જનસંઘ અને ભાજપના રાષ્ટ્રીય તેમજ સ્થાનિક અગ્રણીઓના જીવનપ્રસંગો સાથે પોતાના સંઘર્ષમય જીવનના અનુભવોને પણ આલેખ્યા છે. પુસ્તકમાં પોરબંદર જિલ્લાના સમર્પિત કાર્યકરોના સંઘર્ષ અને બલિદાનની કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નવી પેઢીના કાર્યકરો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ, વિજયભાઈ થાનકી તથા મૃદુલાબેન થાનકીને પુસ્તકના સફળ પ્રકાશન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પુસ્તક પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ ખીજડી પ્લોટ ખાતે આવેલી “થાનકી એસોસિયેટ્સ” ઓફિસેથી ઉપલબ્ધ હોવાનું મીડિયા વિભાગના ઈન્ચાર્જ હર્ષભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya