


છોટાઉદેપુર,16 જૂન (હિ.સ.) સંખેડા સ્થિત સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે પવિત્ર અધિક માસના અંતિમ દિવસે ભક્તિભાવપૂર્ણ અને દિવ્ય વાતાવરણ વચ્ચે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવન પ્રસંગે ભગવાન દ્વારકાધીશને વિવિધ પ્રકારની અવનવી વાનગીઓ, પકવાન અને છપ્પન ભોગ સહિતનો અદ્ભુત અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ઠાકોરજીના આ અલૌકિક અને મનોહર સ્વરૂપના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો અને શ્રદ્ધાળુઓ હવેલીના પ્રાંગણમાં ઉમટી પડ્યા હતા. ઉત્સવ દરમિયાન સમગ્ર હવેલી પરિસર કીર્તન, ભજન અને રશિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભાવવિભોર બનીને નૃત્ય અને ભગવાનની ભક્તિનો અપાર આનંદ માણ્યો હતો.
અંતમાં, સંખેડાના વૈષ્ણવોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને સર્વના સુખ, સમૃદ્ધિ તેમજ વિશ્વ કલ્યાણ માટે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ