
પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાને ડિસેમ્બર-2027 સુધીમાં મહાનગરપાલિકા બનાવવાની પ્રક્રિયા વેગ પકડી રહી છે. આ માટે નગરપાલિકાએ અનાવાડા, સુજનીપુર, પાલડી, રૂની, બોરસણ, રાજપુર, માંડોત્રી, ધારપુર, કતપુર અને ખારીવાવડી સહિતના 10 ગામોના સરપંચોને પત્ર મોકલી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સંમતિ ઠરાવ પસાર કરીને પાલિકાને મોકલવા જણાવ્યું છે.
આ અગાઉ રાજ્ય સરકારે પાટણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે વિશેષ એજન્સીઓ દ્વારા સર્વે અને અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમજ 21 માર્ચ, 2025ના રોજ પાટણ નગરપાલિકાએ પણ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને સરકાર સમક્ષ મહાનગરપાલિકા માટે દરખાસ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને આસપાસના ગામોને શહેર જેવી સુવિધાઓ અને સુવ્યવસ્થિત વિકાસનો લાભ મળે તે હેતુથી આ સમાવેશની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પાટણ શહેરની અંદાજિત જનસંખ્યા 2.20 લાખ સુધી પહોંચવાની છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરના વિકાસને ગતિ મળશે, સુચારુ આયોજન શક્ય બનશે તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વધુ ગ્રાન્ટો પ્રાપ્ત થવાની સંભાવના વધશે, જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોને વધુ સારી સુવિધાઓનો લાભ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ