
નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.). કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, મંગળવારે દવાઓના વેચાણ સાથે જોડાયેલા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. મંત્રાલયે ડ્રગ્સ રુલ્સ, 1945માં ફેરફાર કરીને નાના ગામોમાં કફ સિરપના વેચાણ માટે આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લીધી છે. હવે નાના ગામોમાં પણ લાઇસન્સ વિના કફ સિરપ વેચી શકાશે નહીં.
મંત્રાલયની મંગળવારે બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, અગાઉ 1,000થી ઓછી વસ્તીવાળા ગામોમાં કફ સિરપના વેચાણ માટે કેટલાક લાઇસન્સ સંબંધિત પ્રાવધાનોમાંથી છૂટ આપવામાં આવી હતી. હવે નિયમોમાં સુધારો કરીને સંબંધિત એન્ટ્રીમાંથી “સિરપ” શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ નાના ગામોમાં કફ સિરપનું વેચાણ અને વિતરણ માત્ર વિધિવત લાઇસન્સ પ્રાપ્ત મેડિકલ સ્ટોર અથવા ફાર્મસી મારફતે જ કરી શકાશે. લાઇસન્સ વિના કફ સિરપ વેચવું હવે નિયમો હેઠળ માન્ય રહેશે નહીં.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પગલું સિરપ આધારિત દવાઓના વેચાણ અને વિતરણ પર નિયમનકારી દેખરેખ મજબૂત કરવા તેમજ જાહેર આરોગ્ય અને સલામતી ધોરણોને વધુ સારા બનાવવા માટે લેવામાં આવ્યું છે. મંત્રાલયે કફ સિરપના ઉત્પાદન, વિતરણ અને વેચાણ સાથે જોડાયેલા તમામ ઉત્પાદકો, વિતરકો અને રિટેલરોને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 તથા ડ્રગ્સ રુલ્સ, 1945ના પ્રાવધાનોનું કડક પાલન કરવાની સલાહ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ