


પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિકસિત ભારત – જનકલ્યાણ શિબિરનું આયોજન મહાનગરપાલિકાના મેયરની સુચના અને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ થયું હતું. સ્વસ્તિક હોલ, બંદર રોડ, પોરબંદર ખાતે યોજાયેલ આ શિબિરમાં વોર્ડ નં. 6, 7, 8, 9 અને 11 ના શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમિયાન વિવિધ વિભાગો દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં સહાયતા પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય, સામાજિક સુરક્ષા, આવાસ, પેન્શન, સ્વરોજગાર, જનકલ્યાણકારી સહાય યોજનાઓ સહિત વિવિધ સેવાઓ અંગે અરજદારોને સ્થળ પર જ માહિતી અને સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. આ જનકલ્યાણ શિબિરમાં 850 થી વધુ અરજદારોએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો, જેનાથી સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસોને વધુ બળ મળ્યું છે. નાગરિકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને એક જ સ્થળે જરૂરી સેવાઓ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિબિરની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સ્થળ મુલાકાત લીધી હતી તેમજ સંબંધિત અધિકારીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો હેતુ સામાન્ય નાગરિકોના જીવનમાં ગુણાત્મક સુધારો લાવવાનો છે અને દરેક પાત્ર વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે મામલતદાર બી. વી. સંચાણીયા, કોર્પોરેટરઓ યોગેશભાઈ પુનાણી, અફઝલભાઈ પટેલ, વિશાલભાઈ વેલજીભાઈ મોતીવરસ, મિલનભાઈ મસાણી, ખ્યાતિબેન લોઢારી, ભાવિકાબેન જુંગી, રેખાબેન લુદરીયા તથા રશીદાબેન જોખીયા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની જનકલ્યાણ શિબિરોનું આયોજન કરીને સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવશે. આ પ્રકારના આયોજનો દ્વારા નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચેનો સમન્વય વધુ મજબૂત બનશે તેમજ વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારીને વધુ પ્રોત્સાહન મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya