
જામનગર, 16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે 8 જૂનથી 21 જૂન, દરમિયાન જામનગર જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં વિકાસ, સુશાસન, પારદર્શિતા અને જનકલ્યાણના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો તે સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે.“સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર સાથે કાર્ય કરતી કેન્દ્ર સરકારે ગરીબ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું છે. પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા કરોડો લોકો બેંકિંગ વ્યવસ્થાથી જોડાયા છે, ઉજ્જ્વલા યોજનાથી માતા-બહેનોને ધુમાડામુક્ત રસોડાની સુવિધા મળી છે, જ્યારે આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ પરિવારોને આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થયું છે.સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ સર્જાઈ છે અને દેશના લાખો ગામો તથા શહેરોમાં સ્વચ્છતાનું નવું વાતાવરણ ઊભું થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને પાકા મકાનો મળ્યા છે, જ્યારે જલ જીવન મિશન દ્વારા દરેક ઘરમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા પહોંચાડવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે.છેલ્લા 12 વર્ષમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઐતિહાસિક વિકાસ નોંધાયો છે. આધુનિક હાઈવે, એક્સપ્રેસ-વે, રેલવે સ્ટેશન, એરપોર્ટ, મેટ્રો સેવા અને બંદરોના વિકાસથી ભારતની આર્થિક શક્તિ વધુ મજબૂત બની છે. આજે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી રહ્યું છે અને વિશ્વ મંચ પર પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીઓને સહાય સીધી તેમના ખાતામાં પહોંચાડવામાં આવી રહી છે, જેના કારણે મધ્યસ્થીઓની ભૂમિકા ઘટી છે અને પારદર્શિતા વધી છે.યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને મુદ્રા યોજના જેવી પહેલોએ રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઊભી કરી છે. મહિલાઓના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના પરિણામે દેશની 3 લાખ બહેનો લખપતી દીદી બની છે. વર્ષ ૨૦૧૪માં દરરોજ 11.5 કિમી નેશનલ હાઇવે બનતા હતા અને હવે દરરોજ 34 કિમીના નેશનલ હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે 99.6 % રેલવે ઇલેક્ટ્રિફાઇડ થઈ છે.ગુજરાતે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વિકાસનું જે મોડેલ દેશને આપ્યું છે, તે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે. રાજ્યમાં માર્ગ, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી પ્રગતિએ ગુજરાતને દેશના વિકાસના એન્જિન તરીકે સ્થાપિત કર્યું છે.જામનગર જિલ્લો આજે ઔદ્યોગિક, પર્યટન, બંદર વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લામાં લાખો નાગરિકોને મળી રહ્યો છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે.આગામી વર્ષોમાં ભારત આત્મનિર્ભર, સમૃદ્ધ, સ્વચ્છ, સશક્ત અને વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવતું ભારત હશે.છેલ્લા 12 વર્ષમાં થયેલી સિદ્ધિઓ માત્ર સરકારની સફળતા નથી, પરંતુ દેશના નાગરિકોના વિશ્વાસ અને સહભાગિતાનું પરિણામ છે. આવનારા સમયમાં પણ વિકાસની આ ગતિને વધુ વેગવાન બનાવીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આવશે.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશેષ સિદ્ધી મેળવેલ નાગરિકો અને સંસ્થાઓને સન્માનપત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt