
બોટાદ, 16 જૂન (હિ.સ.) ગઢડા શહેરના ભડલીના ઝાંપા વિસ્તારમાં વર્ષોથી જર્જરીત હાલતમાં ઉભેલી અને લોકો માટે જોખમરૂપ બનેલી પાણીની ટાંકી આખરે દૂર કરવામાં આવી છે. આ કામગીરી વિરોધ પક્ષના નેતા મીત ડાંગર તથા તેમના સાથી કોર્પોરેટરોના સતત પ્રયાસોના પરિણામે પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી છે.
ભડલીના ઝાંપા વિસ્તારમાં આવેલી આ પાણીની ટાંકી લાંબા સમયથી બિનઉપયોગી અને જર્જરીત બની ગઈ હતી. ટાંકીના પાયા નબળા પડી જતાં અને તેની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોઈપણ સમયે ટાંકી ધરાશાયી થવાની શક્યતા હતી, જેના કારણે જાનહાનિ અને મિલકતોને નુકસાન થવાનો ભય સતત સતાવતો હતો.
વિસ્તારના લોકોની આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ વિરોધ પક્ષના નેતા મીત ડાંગરે ગઢડા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી. તેમણે ટાંકીની સ્થિતિ અંગે તંત્રનું ધ્યાન દોરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈ નગરપાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી અને જોખમી ટાંકીને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી.
ટાંકી દૂર થતાં જ સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. વિસ્તારના લોકોએ મીત ડાંગર અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે વર્ષોથી તેઓ આ જોખમ વચ્ચે જીવન જીવી રહ્યા હતા, પરંતુ હવે મોટી ચિંતામાંથી મુક્તિ મળી છે.
લોકોની સુરક્ષા અને જનહિતને પ્રાથમિકતા આપતી આ કામગીરીની સમગ્ર ગઢડા વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે. સ્થાનિકોના પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવેલા પ્રયાસો જનસેવાનું ઉત્તમ ઉદાહરણ બન્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA