

વડોદરા , 16 જૂન (હિ.સ.) વડોદરા મહાનગર સેવાસદન (VMC) ની દબાણ શાખાની ટીમ આજે વહેલી સવારે શહેરના વ્યસ્ત એવા ખંડેરાવ માર્કેટ પાછળના વિસ્તારમાં કામે લાગી હતી. રસ્તા પર ગેરકાયદેસર રીતે પથરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન અચાનક વાતાવરણ ગરમાયું હતું. લારી-ગલ્લા અને પથારાવાળા સ્થાનિક વેપારીઓ પાલિકાની આ અચાનક આવેલી ટીમ સામે વિરોધ કરવા એકઠા થઈ ગયા હતા.કામગીરી રોકવાનો પ્રયાસ કરાતા દબાણ શાખાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે જોરદાર તું-તું મેં-મેં અને શાબ્દિક દ્વંદ્વ જોવા મળ્યું હતું. વેપારીઓનો આક્ષેપ હતો કે પાલિકા તંત્ર વૈકલ્પિક જગ્યા આપ્યા વિના રોજગારી છીનવી રહ્યું છે. જ્યારે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા આ કાર્યવાહી જરૂરી છે. સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. આ હંગામાને કારણે અડધો કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ