સુરતના પાલ વિસ્તારમાં SMCના પ્લોટમાં વિકરાળ આગ, 13 કલાક બાદ પણ કૂલિંગ કામગીરી યથાવત
સુરત, 16 જૂન (હિ.સ.): સુરતના પાલ ગૌરવપથ રોડ નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં ગાર્ડનના સુકા કચરા અને પાંદડાના ઢગલામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાયો હતો. આગ ઝડપથી ફેલાતા આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં
Surat


સુરત, 16 જૂન (હિ.સ.): સુરતના પાલ ગૌરવપથ રોડ નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં ગાર્ડનના સુકા કચરા અને પાંદડાના ઢગલામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાયો હતો. આગ ઝડપથી ફેલાતા આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યો અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલનપુર, મોરાભાગળ, અડાજણ અને જહાંગીરપુરા ફાયર સ્ટેશનમાંથી કુલ છ ફાયર ટેન્ડરો અને મોટી સંખ્યામાં ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ સાંજે માહિતી મળતા જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. આગે કચરાના મોટા ઢગલાને પોતાની ઝપેટમાં લેતાં તેને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

13 કલાકથી વધુ સમય વીતી જવા છતાં કચરાના ઢગલાની અંદર આગ ધગધગતી હોવાથી હજુ પણ કૂલિંગ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી છે, જ્યારે મહાનગરપાલિકાના જેસીબી દ્વારા કચરો ખસેડીને અંદરના ભાગમાં રહેલી આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિકોને ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભૂતકાળમાં લાગેલી ભયાનક આગની યાદ તાજી કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande