
પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના સાધનો સહિત રૂ. 14,380નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.જી.ગોહીલની સૂચના મુજબ સર્વેલન્સ સ્કવોડ નાઇટ પેટ્રોલિંગમાં હતું. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીરૂભા અને પોલીસ કોન્સ્ટેબલ ભૌતિક હરીભાઈને બાતમી મળી હતી કે બોખીરા તુંબડા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્સો જાહેરમાં ત્રણ પત્તીનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી માલદે ઉર્ફે ધટ્ટી ભીમાભાઈ બોખીરીયા, હરીશ ઉર્ફે હાજો રામભાઈ મોઢવાડિયા, રાજુ ઉર્ફે રાજ હરસુખભાઈ ડાકી, કમલેશ ઉર્ફે બબલી સરમણભાઈ ચુડાસમાને જુગાર રમતા ઝડપી લીધા હતા.આરોપીઓ સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya