જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા ગરીબ બાળકો માટે જમણવારનું આયોજન
બોટાદ, 16 જૂન (હિ.સ.) બોટાદ શહેરમાં સમાજસેવાના કાર્યો માટે સક્રિય રહેતા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા માનવતાભર્યો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહેનો તથા સોની કીટી ગ્રુપના સહયોગથી પાળીયાદ રોડ પર આવેલા હસમુખ ફર્નિચર મોલની નીચે અને આ
ભોજન કરી રહેલા બાળકો


બોટાદ, 16 જૂન (હિ.સ.) બોટાદ શહેરમાં સમાજસેવાના કાર્યો માટે સક્રિય રહેતા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા માનવતાભર્યો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહેનો તથા સોની કીટી ગ્રુપના સહયોગથી પાળીયાદ રોડ પર આવેલા હસમુખ ફર્નિચર મોલની નીચે અને આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે વિશેષ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળકોને કેરીનો રસ, રોટલી, બટેટાનું શાક તેમજ વિવિધ મિષ્ટાન્ન પીરસવામાં આવ્યા હતા. ઉનાળાની ઋતુમાં કેરીના રસની મોજ માણીને બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર બાળકો જ નહીં, પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતી બહેનોએ પણ આ જમણવારનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન અંદાજે 100 જેટલા બાળકો અને બહેનોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલીની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સેવા કાર્યને સફળ બનાવ્યું હતું. સમાજના વંચિત વર્ગ સુધી ખુશીઓ પહોંચાડવાના આ પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા પણ આવકાર મળ્યો હતો.

જાયન્ટસ ગ્રુપના સભ્ય વિજયભાઈ અને જયદીપભાઈનો સાહેલી ગ્રુપને સતત સહયોગ અને માર્ગદર્શન મળતું રહે છે, જેના કારણે આવા સેવાકીય કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાઈ રહ્યા છે. આ જમણવારમાં સોની કીટી ગ્રુપની બહેનો સહિત બેલાબેન, સોનલબેન અને અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ભોજન પીરસવાની કામગીરીમાં જોડાયા હતા.

કાર્યક્રમના અંતે બાળકો અને બહેનોમાં વિશેષ આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમાજના જરૂરિયાતમંદ લોકો સાથે ખુશીઓ વહેંચવાનો આ પ્રયાસ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા કરવામાં આવતું આ પ્રકારનું સેવાકાર્ય સમાજમાં માનવતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande