
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ આધારિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમોની શ્રેણીમાં આજે જિલ્લામાં વેરાવળ, સૂત્રાપાડા, ઊના સહિત તાલુકાઓમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ હતી. સનખડા, સીમર, આંકોલવાડી સહિતના સ્થળોએ યોજાયેલી આ શિબિરમાં ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વિવિધ તાલુકાઓના ગ્રામ્ય કક્ષાએ જિલ્લા પંચાયત બેઠક દીઠ યોજાઈ રહેલી જનકલ્યાણ શિબિરો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો લાભ સીધો જ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
આ જનકલ્યાણ શિબિરોમાં કેન્દ્ર સરકારની કુલ ૧૫ યોજનાઓ ઉપરાંત રાજ્ય સરકારના સેવાસતુ કાર્યક્રમમાં આવરી લેવાયેલ સેવાઓ સહિત કુલ ૫૫ જેટલી વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવી રહ્યો છે.
શિબિરમાં ખાસ કરીને આયુષ્માન ભારત, આયુષ્માન વયવંદના, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, લખપતિ દીદી, વી.બી.જી.રામ.જી યોજના તેમજ બેંકિંગ ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મહત્તમ નોંધણી થાય તે દિશામાં સઘન પ્રયાસો કરવામાં આવશે.
આ જનકલ્યાણ શિબિરમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પ્રેર્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ