
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથમાં પ્રગતિપથ યાત્રાના બીજા દિવસે પ્રબુદ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અને જિલ્લાના વિકાસરત કામો અંગે માહિતી મેળવી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રારંભ થયેલી આ યાત્રામાં, તમામે સોમનાથ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલા અભૂતપૂર્વ વિકાસ ગાથા અને સફર રજૂ કરતી વિશેષ પ્રદર્શની નિહાળી હતી.
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા જિલ્લા રમત સંકુલ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, સુગર મિલ, દ્રોણેશ્વર, મોડલ સ્કૂલ-ખાપટ, કોડીનાર નગરપાલિકા ગાર્ડન, રાખેજ પ્રાથમિક શાળા, નગરપાલિકા કોમ્યુનિટી હોલ સહિતના સ્થળો આવરી લેવાયા હતાં.
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે ડાયેટ પ્રાચાર્ય વી.એમ.પંપાણિયાએ પ્રગતિપથ યાત્રાના તમામ નાગરિકોને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની કાર્યપદ્ધતિ અને જિલ્લામાં શિક્ષણક્ષેત્રે કરવામાં આવી રહેલા કાર્યો અને વિકાસકામોનો ચિતાર રજૂ કર્યો હતો.
આમ, આ પ્રગતિ પથ યાત્રાના માધ્યમથી જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગીર સોમનાથ જિલ્લાના વિકાસના પ્રકલ્પોની નાગરિકોએ માહિતી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ