
ગીર સોમનાથ, 16 જૂન (હિ.સ.) સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર સુત્રાપાડા ફાટક નજીક આજે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુત્રાપાડા ફાટક નજીકથી પસાર થઈ રહેલી બે મોટરસાયકલો વચ્ચે અચાનક ટક્કર સર્જાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક ચાલકો રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવા તથા સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જોકે સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સુચારૂ બનાવવામાં આવ્યો હતો.
પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવને પગલે સ્થાનિક લોકોએ હાઈવે પર વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખી વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તથા સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ