
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) તાલાલા પંથકમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા સાસણ રોડ ઉપર આવેલ સરકારના બાગાયત સંશોધન કેન્દ્રમાં ખેડૂત બજાર શરૂ કરવા તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન સંજયભાઈ શિંગાળા એ માંગણી કરી છે.
રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને પાઠવેલ પત્રમાં સંજયભાઈ શિંગાળા એ જણાવેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતિ સાથે જોડાયેલ છે.આ ખેડૂતોને તેમના ઉત્પાદન નું યોગ્ય વળતર મળી રહે તેમજ ઓર્ગેનિક વસ્તુઓ લોકો સુધી પહોંચાડવા ખેડૂત બજાર અતિ જરૂરી છે...તાલાલા વિસ્તારમાં આવતા પર્યટકો આ વિસ્તારમાંથી મોટાં પ્રમાણમાં કેસર કેરી તથા આરોગ્યવર્ધક ખુશ્બુદાર દેશી ગોળની ખરીદી કરે છે.સાસણ-સોમનાથ આવતા પ્રવાસીઓને સારી ક્વોલિટી ની કેસર કેરી તથા કેસર કેરીનો ગુણવત્તાસભર રસ તથા કેરીના ટુકડા અને આરોગ્યવર્ધક દેશી ખુશ્બુદાર ગોળની ખરીદી માટે ખેડૂત બજાર આશિર્વાદરૂપ બનશે..તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર રાજ્ય સરકારના બાગાયત વિભાગની કિંમતી અને વિશાળ જમીન આવેલ છે.આ જમીનમાં વિશાળ સંખ્યામાં કેસર કેરીના આંબા વચ્ચે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત છે.બાગાયત વિભાગની તમાંમ જગ્યા રોડ ટચ મોકાની છે.આ જગ્યામાં આંબાની વચ્ચે ૫૦ જેટલા સ્ટોલ ઉભા કરી ખેડૂત બજાર કાર્યરત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળશે...તાલાલા પંથકનું વિશ્વ પ્રસિદ્ધ અમૃત ફળ કેસર કેરી,દેશી ખુશ્બુદાર ગોળ તથા ખેડૂતોએ તૈયાર કરેલ ઓર્ગેનિક ખેતીની જણસીનો લાભ લોકો સુધી પહોંચશે તેમજ ખેડૂતોને પણ તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે...તાલાલા વિસ્તારના ખેડૂતોની યોગ્ય માંગણી પ્રત્યે સહાનુભૂતિ રાખી સરકાર દ્વારા તુરંત સર્વે કરાવી વહેલી તકે તાલાલામાં ખેડૂત બજાર શરૂ કરવા પત્રના અંતમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઈ શિંગાળાએ કૃષિમંત્રી સમક્ષ માંગણી કરી છે.
તાલાલા-સાસણ રોડ ઉપર અનેક સ્ટોલ કાર્યરત
તાલાલા-સાસણ રોડ ઉપર અત્યારે ઠેર ઠેર કેસર કેરી,કેરીનો રસ તથા આયુર્વેદિક દેશી ખુશ્બુદાર ગોળનું ધૂમ વેચાણ થાય છે.સાસણ ગીરથી સોમનાથ જતા અગણિત પર્યટકો આ સ્ટોલ ઉપરથી મોટા પ્રમાણમાં ખરીદી કરે છે.તાલાલામાં જો ખેડૂત બજાર શરૂ કરવામાં આવે તો દેશ-વિદેશના પ્રવાસીઓને ઓર્ગેનિક અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ સરળતાથી મળવાની સવલત મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ