
ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે વેરાવળની સિવિલ હોસ્પિટલ ખાતે શપથવિધિ કાર્યક્રમ અને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત રક્તદાન અંગેની શપથ લેવડાવીને કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટરો, કર્મચારીઓ અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ નિયમિત રક્તદાન કરવા તથા અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.
શપથવિધિ બાદ યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ એકત્રિત રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે, જેનાથી અનેક દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકશે અને તેમના જીવનને નવી આશા મળશે.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય, સિવિલ હોસ્પિટલ વેરાવળના અધિક્ષક હોસ્પિટલના ડોકટરો, સ્ટાફ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપી વધુમાં વધુ લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી હતી.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઇ એમ. કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ, સેક્રેટરી ગીરીશભાઈ ઠક્કર સહિતની ટીમ અને ડો. ખેવાનાબેન કારાવડીયા પણ આ તકે હાજર રહ્યા હતા. તેમણે રક્તદાતાઓને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કરનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ રક્તદાતાઓ, આયોજકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. રક્તદાન મહાદાન – તમારું એક દાન કોઈના જીવનનું વરદાન ના સંદેશ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ