
દ્વારકા/અમદાવાદ,16 જૂન (હિ.સ.) સૌરાષ્ટ્રના જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના ગોમતીઘાટ પર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓના અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે ગોમતી સંગમ ઘાટ પાસે પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે, એક વૃદ્ધ પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા અને ડૂબવા લાગ્યા હતા.વૃદ્ધ ગોમતી નદીના પ્રવાહમાં તણાતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
સદનસીબે, ત્યાં હાજર સ્થાનિકોએ સમયસૂચકતા વાપરીને ભારે જહેમત બાદ વૃદ્ધને દરિયાના મોજામાંથી બહાર ખેંચી લીધા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વરસાદી એક્ટિવિટીની અસરના કારણે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કરંટના પગલે 8થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ગોમતીઘાટ પર પોલીસ જવાનો તેમજ ફાયર વિભાગની ટીમને તહેનાત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ગોમતીઘાટ વિસ્તારમાં લોકોના અવરજવર અને દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ શિવરાજપુર બીચ પર પણ દરિયામાં ન ઉતરવા અને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ