
છોટાઉદેપુર,16 જૂન (હિ.સ.) બોડેલી તાલુકાની ખાનગી પ્રાથમિક શાળાઓના આચાર્યોની માર્ગદર્શન બેઠક 15 જૂનના રોજ સેફાયર પબ્લિક સ્કૂલ ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અનિલકુમાર રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. વર્ષના પ્રારંભે યોજાયેલી આ બેઠકમાં તાલુકાની વિવિધ ખાનગી પ્રાથમિક શાળાઓના આચાર્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં બોડેલી નગર અને તાલુકાની સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓના આચાર્યો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત, આનંદદાયક અને બાળકમૈત્રી શિક્ષણ મળી રહે તે માટે શાળાઓમાં જરૂરી ભૌતિક સુવિધાઓના વિકાસ, શૈક્ષણિક ગુણવત્તાના ઉન્નતીકરણ, શાળા સંચાલનની કાર્યક્ષમતા તથા શિક્ષણમાં નવીન અભિગમો અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે શાળાઓને વધુ આકર્ષક, સુવિધાસભર અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અનિલકુમાર રાઠવાએ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન અમલમાં મુકાનારી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાસકીય કાર્યક્રમો, પ્રવેશોત્સવ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા, મૂલ્યાંકન પ્રક્રિયા, શાળા વ્યવસ્થાપન તથા વિભાગીય કામગીરીના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુણવત્તાસભર શિક્ષણ અને સુવ્યવસ્થિત શાળા સંચાલન દ્વારા જ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બને છે.
બેઠક દરમિયાન વિવિધ શૈક્ષણિક અને વહીવટી કામગીરીમાં ઉભા થતા પ્રશ્નો, તેમની રજૂઆત કરવાની પદ્ધતિ, પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે અનુસરવાની પ્રક્રિયા અને વિભાગીય પ્રોટોકોલ અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપસ્થિત આચાર્યોએ પોતાના પ્રશ્નો અને સૂચનો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા, જેના સંદર્ભે માર્ગદર્શન અને જરૂરી સ્પષ્ટતાઓ આપવામાં આવી હતી.
લાંબા સમય બાદ ખાનગી પ્રાથમિક શાળાઓના આચાર્યો માટે યોજાયેલી આ સંકલન અને માર્ગદર્શન બેઠકને ઉપસ્થિત આચાર્યોએ ખૂબ જ ઉપયોગી અને સમયોચિત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષના આરંભે મળેલા સ્પષ્ટ માર્ગદર્શનથી સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક અને વહીવટી કામગીરી વધુ સુચારૂ અને અસરકારક રીતે હાથ ધરવામાં મદદ મળશે.
બેઠકના અંતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અનિલ રાઠવા તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સંદીપ જયસ્વાલ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત આચાર્યોએ આશા વ્યક્ત કરી હતી કે આવા સંકલનાત્મક પ્રયાસો દ્વારા તાલુકાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક માહોલને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ