વડોદરામાં ઘોર બેદરકારી: ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારે રોષ, રોગચાળાનો ભય.
વડોદરા , 16 જૂન (હિ.સ.) સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી સ્થાનિક રહીશોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સની સામેની ગલીમાં, જાહેર રોડના કિનારે અત્યંત
મેડિકલ વેસ્ટ


મેડિકલ વેસ્ટ


મેડિકલ વેસ્ટ


વડોદરા , 16 જૂન (હિ.સ.) સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી સ્થાનિક રહીશોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સની સામેની ગલીમાં, જાહેર રોડના કિનારે અત્યંત બેદરકારીપૂર્વક મેડિકલ વેસ્ટ (તબીબી કચરો) ફેંકી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાહેર માર્ગ પર આ પ્રકારે જોખમી તબીબી કચરો ખુલ્લો પડ્યો હોવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.સ્થાનિક લોકો દ્વારા આ અંગે વિરોધ દર્શાવવામાં આવ્યા બાદ ઘટનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રોડ કિનારે મળી આવેલી દવાઓ અને ઇન્જેક્શન સહિતની તબીબી સામગ્રી એક્સપાયરી ડેટ વગરની છે. આ બાબતથી રહસ્ય વધુ ઘેરાયું છે કે કોઈ મોટી હોસ્પિટલે નિયમોનું ઉલ્લંઘન કરીને આ કચરો અહીં ઠાલવ્યો છે, કે પછી કોઈ મેડિકલ સ્ટોર સંચાલકે પોતાના પાપ છુપાવવા અથવા પુરાવાનો નાશ કરવા માટે આ ગંભીર કરતૂત આચરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આમ છતાં, આવા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે જાહેર આરોગ્યને જોખમમાં મૂકનારા આ જવાબદારો સામે તંત્ર કડક કાનૂની પગલાં ભરે છે કે પછી દર વખતની જેમ આ ગંભીર મામલાને પણ રફે-દફે કરી દેવામાં આવશે. હાલમાં તો બેદરકાર તત્વો સામે આરોગ્ય વિભાગ કેવા ઉદાહરણરૂપ પગલાં ભરે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર મંડાયેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande