


પાટણ, 16 જૂન (હિ.સ.)પટણી દેવીપૂજક સમાજના સામાજિક સુધારણા અને સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલા નવા નિયમોના બંધારણનું પાટણ સ્થિત દેવકાહાર ધામ ખાતે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો, સંગઠનને મજબૂત બનાવવું અને કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા જેવા દૂષણોને દૂર કરવાનો છે.
સમાજના વિકાસને ધ્યાનમાં રાખીને આધુનિક યુગને અનુરૂપ નિયમો ઘડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અગાઉ વર્ષ 1965, 1998 અને 2010માં પણ સમાજ સુધારણા માટે પ્રયાસો થયા હતા. 10 નવેમ્બર, 2024ના રોજ રાજ્યભરના સમાજજનોના સ્નેહમિલનમાં નવા સામાજિક બંધારણની રચનાનો સંકલ્પ લેવાયો હતો.
આ સંકલ્પને સાકાર કરવા રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરો, નગરો અને ગામોના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ અને બેઠકો યોજાઈ હતી. ગામ અને મહોલ્લા સ્તર સુધી લોકોના અભિપ્રાયો મેળવી સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું, ત્યારબાદ 21 સપ્ટેમ્બર, 2025ની કાર્યશિબિરમાં નિયમોનું આખરી ઘડતર કરવામાં આવ્યું.
નવા બંધારણના અમલીકરણથી સમાજમાં ખોટા ખર્ચા, કુરિવાજો અને અંધશ્રદ્ધામાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ શિક્ષણ, રમત-ગમત, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં આયોજનબદ્ધ કાર્યક્રમો દ્વારા પટણી દેવીપૂજક સમાજના ઝડપી વિકાસનો માર્ગ વધુ મજબૂત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ