
જામનગર, 16 જૂન (હિ.સ.) જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં સગીર વિદ્યાર્થી સાથે જાતીય સતામણી અને ધમકી આપ્યાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 308(4), 351(3) તેમજ પોક્સો અધિનિયમની કલમ 12 અને 18 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સોનવડીયા ગામે ઈન્દિરા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો 15 વર્ષનો પુત્ર શાળાએ અભ્યાસ માટે તેમજ ગામમાં દુકાને જતો હતો. દરમિયાન આરોપી રાણા નૈયાભાઈ રાડા અગાઉ આપેલા રૂ.20ના બહાને સગીર પાસે રૂ.3 હજારની માંગણી કરી હતી.ફરિયાદ અનુસાર આરોપીએ રૂપિયા નહીં આપવાના બદલામાં સગીર સાથે અશ્લીલ અને બિભત્સ પ્રકારની શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. સગીરે આ માંગણીનો ઇનકાર કરતા આરોપીએ સગીર તેમજ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt