
બેંગલુરુ, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) આવક કરતાં વધુ સંપત્તિ મેળવવાના આરોપો હેઠળ લોકાયુક્ત અધિકારીઓએ મંગળવારે કર્ણાટકના વિવિધ જિલ્લાઓમાં વ્યાપક કાર્યવાહી કરતાં અનેક સરકારી અધિકારીઓના ઘર, કાર્યાલય અને અન્ય પરિસરો પર એકસાથે દરોડા પાડ્યા. કાર્યવાહી દરમિયાન દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
બેંગલુરુમાં કર્ણાટક હાઉસિંગ બોર્ડના વધારાના નિદેશક રાજન્ના તથા યેલહંકા બેસ્કોમના સહાયક કાર્યપાલક ઈજનેર (એઈઈ) ઉદય કુમારના નિવાસસ્થાન અને કાર્યાલય પર લોકાયુક્ત અધિકારીઓએ દરોડો પાડ્યો. અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાની ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
કલબુર્ગીમાં પણ લોકાયુક્તાએ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરી છે. નિવૃત્ત પંચાયત રાજ વિભાગના અધીક્ષણ ઈજનેર માણિક કનકટ્ટીના નિવાસ સહિત પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. કલબુર્ગી શહેરના ગોદુતાઈ નગરમાં આવેલું ઘર, બીદર જિલ્લાના હલ્લીખેડ ગામનું મકાન, હુમાનાબાદમાં બે વ્યાવસાયિક પરિસરો તથા ફાર્મહાઉસની તપાસ કરવામાં આવી. આ કાર્યવાહી લોકાયુક્ત પોલીસ અધિક્ષક સિદ્ધરાજૂના નેતૃત્વમાં કરવામાં આવી.
ચિક્કમગલૂરુમાં વન વિભાગના સહાયક વન સંરક્ષક (એસીએફ) મોહનના નિવાસસ્થાને પણ લોકાયુક્ત અધિકારીઓએ દરોડો પાડ્યો. શહેરના કલ્યાણનગર સ્થિત નિવાસ પર દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સતત ફરિયાદો મળ્યા બાદ લોકાયુક્ત ડીવાયએસપી તિરુમલેશના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી.
દાવણગેરેમાં ત્રણ વરિષ્ઠ અધિકારીઓના ઘર, કાર્યાલયો અને ફાર્મહાઉસ પર પણ લોકાયુક્તાની દરોડાની કાર્યવાહી થઈ છે. બયલુસીમે વિકાસ મંડળના સચિવ કૃષ્ણ નાયક, એનડબ્લ્યુકેઆરટીસીના મુખ્ય યાંત્રિક ઈજનેર સિદ્ધેશ્વર હેબ્બાલ તેમજ કેઆરઆઈડીએલના અધીક્ષ ઈજનેર સન્ના કેંચપ્પાના પરિસરોની તપાસ કરવામાં આવી રહી છે.
દાવણગેરે, હુબ્બલી અને બેલગાવી સહિત વિવિધ સ્થળોએ કુલ 12 ખાસ ટીમોએ એકસાથે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન સંપત્તિ સંબંધિત દસ્તાવેજો, બેંક વ્યવહારો અને અન્ય નાણાકીય રેકોર્ડની છણાવટ કરવામાં આવી રહી છે. દરોડામાં મળેલા દસ્તાવેજો અને સંભવિત અનિયમિતતાઓ અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિંદુસ્થાન સમાચાર / રાકેશ એમ.બી. / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ