
કચ્છ, 16 જૂન (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા, સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ અનુસંધાનમાં આદિપુર પોલીસે જુગાર રમતા શખ્સો સામે સફળ કાર્યવાહી કરીને પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, આદિપુરના સિંધુવર્ષા ચાર રસ્તા નજીક આવેલી મુરલી હોટલ પાસે, ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગંજીપાનાં પત્તા વડે જુગાર રમી રહ્યા છે. મળેલી માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને જોઈને કેટલાક લોકો ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે સ્થળને ઘેરી લઈ પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન સ્થળ પરથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ગંજીપાનાં પત્તા તેમજ રોકડ રૂપિયા 24,750 કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ સામે, ગુજરાત જુગાર પ્રતિબંધક કાયદાની કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસનું કહેવું છે કે, જાહેર સ્થળોએ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ સઘન દેખરેખ રાખવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓ સામે, કડક પગલાં લેવામાં આવશે. આ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar