ભુજમાં 30 હજાર વૃક્ષોથી સર્જાશે હરિયાળું ‘વન કવચ’, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે મહાઅભિયાનનો પ્રારંભ
કચ્છ, 16 જૂન (હિ.સ.) : ભુજ શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના ઉદ્દેશ સાથે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ભુજના મુન્દ્રા રોડ સ્થિત બીએસએફની 176 બટાલિયન પરિસરમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના
બીએસએફની 176 બટાલિયન પરિસરમાં વિશાળ વૃક્ષારોપણ


બીએસએફની 176 બટાલિયન પરિસરમાં વિશાળ વૃક્ષારોપણ


બીએસએફની 176 બટાલિયન પરિસરમાં વિશાળ વૃક્ષારોપણ


કચ્છ, 16 જૂન (હિ.સ.) : ભુજ શહેરને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવાના ઉદ્દેશ સાથે ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ભુજના મુન્દ્રા રોડ સ્થિત બીએસએફની 176 બટાલિયન પરિસરમાં વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે વૃક્ષારોપણ કરીને આ મહત્ત્વાકાંક્ષી યોજનાને ઔપચારિક શરૂઆત આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ આગામી સમયગાળામાં 30 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભુજ શહેરની મધ્યમાં વિશાળ ‘વન કવચ’ તૈયાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સામાજિક વનીકરણ વિભાગ, બીએસએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી આ અભિયાન હાથ ધરાયું છે. શહેરના પર્યાવરણને વધુ સમૃદ્ધ બનાવવાની સાથે જ ભવિષ્યની પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ કરતા નથી, પરંતુ માનવ જીવન તેમજ પશુ-પક્ષીઓ માટે પણ જીવનદાયી સાબિત થાય છે. તેમણે ખાસ કરીને ફળ આપતા વૃક્ષોના વાવેતરને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો, જેથી પ્રકૃતિના દરેક જીવને તેનો લાભ મળી શકે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષારોપણ એક સામાજિક જવાબદારી બની ગયું છે અને તેમાં સૌએ સહભાગી બનવું જોઈએ.

સ્મૃતિવન ખાતે મિયાવાકી પદ્ધતિથી સફળતાપૂર્વક વિકસાવવામાં આવેલા હરિયાળા વિસ્તારના અનુભવને આધારે હવે બીએસએફ પરિસરમાં પણ વિશાળ પાયે વન વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉછેરવામાં આવેલા હજારો રોપાઓ અહીં રોપવામાં આવશે અને આગામી વર્ષોમાં આ વિસ્તાર ઘનદાટ હરિયાળા વન તરીકે વિકસિત થશે. પરિણામે શહેરના પર્યાવરણમાં નોંધપાત્ર સુધારો થવાની સાથે જ જૈવ વૈવિધ્યતામાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીશ્રીએ દેશની સરહદોની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા બીએસએફના જવાનોની કામગીરીને બિરદાવી હતી. તેમણે જવાનો સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં તેમની ભાગીદારીને સરાહનીય ગણાવી હતી. સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓએ વન કવચના સમગ્ર આયોજન અને તેના લાંબા ગાળાના લાભો અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન બીએસએફના જવાનોને વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને હરિયાળા કચ્છના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande